વોશિંગટન
યુએસ મહામારી વિશેષજ્ઞ ડૉ એન્થોની ફૌસી ડિસેમ્બરમાં યુએસ પ્રમુખ જાે બાઇડેનના મુખ્ય તબીબી સલાહકારના પદ પરથી રાજીનામું આપી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે જાહેરાત કરી કે તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝના ડિરેક્ટર અને રાષ્ટ્રપતિ બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર તરીકેના તેમના હોદ્દા પરથી રાજીનામું આપશે. ડૉ. એન્થોની ફૌસી અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન રાષ્ટ્રપતિ જાે બાઈડેનના ખૂબ જ ખાસ લોકોમાંથી એક છે. ડૉ. એન્થોની ફૌસી એક અમેરિકન ચિકિત્સક છે અને દેશના ટોચના ચેપી રોગના નિષ્ણાત છે. તેમનો જન્મ ૨૪ ડિસેમ્બર, ૧૯૪૦ના રોજ થયો હતો. ડૉ. ફૌસીએ ૧૯૮૪માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી અને ચેપી રોગોના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તે કોરોના સમયગાળા દરમિયાન કોરોના વાયરસ મહામારી માટે રચાયેલ વ્હાઇટ હાઉસ કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના સભ્ય પણ હતા. આ સિવાય તેમણે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં લગભગ ૫૦ વર્ષ સુધી કામ કર્યું. તેમણે એચઆઇવી એઇડ્સ સંશોધન અને અન્ય રોગપ્રતિકારક શક્તિમાં વધારવાની રસીઓ બનાવવામાં પણ યોગદાન આપ્યું છે. હાલમાં ડૉ. એન્થોની ફૌસી યુએસ પ્રમુખ જાે બાઈડેનના મુખ્ય તબીબી સલાહકાર છે. આ સિવાય તેઓ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફેક્શન ડિસીઝના ડાયરેક્ટરનું પદ પણ સંભાળી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન ફૌસીની સલાહને સમગ્ર વિશ્વમાં મહત્વ મળ્યું હતું. તેમણે કોરોના વાયરસ સામેની લડાઈમાં રસીના ઉપયોગને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.


