Delhi

શ્રીલંકાની બાંગ્લાદેશ સામે જીત સાથે વન-ડેમાં સળંગ ૧૧મો વિજય

નવીદિલ્હી
ડિફેન્ડિંગ એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ પલ્લેકલ ખાતે રમાયેલા મુકાબલામાં બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે જીત મેળવવાની સાથે જ વન-ડેમાં સળંગ ૧૧મો વિજય પ્રાપ્ત કર્યો હતો. સદીરા સમરવિક્રમા અને ચરિથ અસલંકાની લડાયક ફિફ્ટીની મદદથી યજમાન શ્રીલંકાએ ૩૯ ઓવરમાંજ બાંગ્લાદેશનો ૧૬૫ રનનો ટારગેટ પાંચ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. અગાઉ બાંગ્લાદેશનો બેટિંગમાં ફ્લોપ શો રહ્યો હતો. નજમુલ હસન શંટોના ૮૯ રનને બાદ કરતા અન્ય કોઈપણ બેટ્‌સમેન શ્રીલંકાના બોલર્સને ટક્કર આપી શક્યો નહતો. શ્રીલંકાના ઝડપી બોલર મથિશા પથિરાનાએ તરખાટ મચાવતા ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની વન-ડે ટીમમાં ચાર વર્ષ બાદ કમબેક કરનાર સદીરા સમરવિક્રમા માટે આ ઈનિંગ્સ ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. તેણે ૭૭ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. જ્યારે અસાલન્કાએ ૯૨ બોલમાં ૬૨ રન કરતા બંને વચ્ચે ચોથી વિકેટ માટે ૭૮ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. શ્રીલંકાને બાંગ્લાદેશના ૧૬૫ રનના ટારગેટનો પીછો કરવા જતા શરૂઆતમાં ઝટકા લાગ્યા હતા. ૧૦ ઓવરમાં ૪૩ રનમાં ત્રણ વિકેટ ગુમાવતા શ્રીલંકા માટે કપરા ચઢાણ લાગી રહ્યા હતા પરંતુ સમરવિક્રમા અને અસાલન્કાએ લથડતી બાજી સંભાળી હતી અને શ્રીલંકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અસાલન્કાએ વન-ડેમાં આઠમી ફિફ્ટી ફટકારી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને બે જ્યારે તાસ્કિન, શોરિફુલ અને મેહદીએ એક-એક વિકેટ મેળવી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. શ્રીલંકાના પેસર પથિરાનાના સપાટા સામે બાંગ્લાદેશના બેટ્‌સમેનોએ ઘૂંટણિયા ટેકવી દીધા હતા. નજમુલ (૮૯)ને બાદ કરતા અન્ય કોઈ બેટ્‌સમેન ૨૦ રનથી વધુ સ્કોર નોંધાવી શક્યો નહતો. પથિરાનાએ ચાર જ્યારે થીકશાનાએ બે અને ડીસિલ્વા, વેલ્લાલગે અને શનાકાએ એક-એક વિકેટ ઝડપી હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો હવે પાકિસ્તાન જશે જ્યાં તેમનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *