જેતપુર નગરપાલિકાનાં માજી સદસ્યના બન્ને પુત્રો પ્રદૂષણ બાબતે ફરિયાદ કરતા હોવાથી સરાજાહેર હુમલો
જેતપુરમાં ગઇકાલે મોડી રાત્રીનાં બે સગાભાઇઓ પર ધોકા પાઇપથી જીવલેણ હુમલો કરી ગણાવાના વ્યાજખોરોએ સરદાર ચોકમાં આતંક મચાવતા દુકાનદારો, સામાન્ય માણસોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યોગેશ સાંજવા નામનાં યુવાનને રાજકોટ રીફર કરાતા તે ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ જેતપુર પોલીસે ઇજાગ્રસ્ત યુવાનોનાં નિવેદનો લેવાની અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત યુવાનોએ હુમલાખોરોના નામો સોશ્યલ મિડિયામાં મારામારીનાં વિડીયો સાથે ફરતા કરતા પોલીસે તેના આધારે પણ હુમલાખોરો સુધી પહોંચવા કવાયત આદરી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાના માજી સદસ્ય સામંતભાઇ સાંજવાના બે પુત્રો યોગેશ અને રામદેવ ગુરૂવારની રાત્રીના જુનાગઢ રોડ પર આવેલા સરદાર ચોકમાં ડિલકસ નામની પાનની દુકાને બેઠા હતા.ત્યારે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ અચાનક ધોકા પાઇપ સાથે ધસી આવેલા ગણાવાના વ્યાજખોરોના ટોળાએ રામદેવ અને યોગેશ પર આડેધડ ધોકાથી હુમલો કરતા આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓમાં નાશભાગ મચી ગઇ હતી.બીજી બાજુ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યોગેશ સામતભાઇ સાંજવાને પ્રાથમિક સારવાર સ્થાનિકમાં અપાવીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો. રાજકોટમાં ખાનગી હોસ્પીટલમાં યોગેશને ગંભીર ઇજાઓની સારવાર શરૂ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર બનાવ મામલે જેતપુર પોલીસે સરદાર ચોકમાં બનાવ સ્થળે દોડી જઇ સીસી કેમેરાના ફુટેજ મેળવીને હુમલાખોરો સુધી પહોંચવા અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
હુમલો શા માટે કરાયો? હુમલાખોરોમાં કોણ કોણ?
સરદાર ચોકમાં ફિલ્મી ઢબે કરાયેલા ખુની હુમલામાં ઘાયલ બન્ને ભાઇઓ યોગેશ અને રામદેવે પોતાના પરના હુમલાના સીસી કેમેરાના ફુટેજ સોશિયલ મિડિયામાં આજે સવારથી જ ફરતા કરી દીધા છે. ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓએ હુમલાખોરોમાં બુઢ્ઢો ઉર્ફે સાગર, મેહુલ બારોટ, રવિ, રાણો કાઠી, વિપુલ કાઠી સહીત 15 થી 20 જણા સામેલ હોવાનો મેસેજ ફરતો કર્યો છે.ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓ સાડી ધોલાઇ ઘાટના પ્રદુષણને બંધ કરાવવા અવાર નવાર રજુઆતો કરતાં હોવાથી તેનો ખાર રાખી હુમલો કરાયો હોવાનું બન્ને ઇજાગ્રસ્તો જણાવે છે. હવે પોલીસ કોની સામે ગુનો નોંધશે? તે સમય જ બતાવશે.
જેતપુર પોલીસે શું કહ્યું?
જેતપુર શહેર પોલીસનો સંપર્ક કરાતા પીએસઓ જણાવેલ કે, સરદાર ચોકમાં થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત યોગેશ અને રામદેવના નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. એ સિવાય બનાવના સીસી ફુટેજ પણ મળ્યા હોય હુમલાખોરો સુધી પહોંચવા અને જરૂરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

