દક્ષિણ ભારતમાં ‘દિતવાહ‘ વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી
દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ‘દિતવાહ‘ ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયાં છે. આના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર કરતા ૭-૮ હજાર જેટલા વેપારીઓ સીધી અસર હેઠળ આવ્યા છે. જાે સ્થિતિ સામાન્ય નહીં થાય તો ઉદ્યોગને અંદાજે ૨૦૦ કરોડ સુધીનું મોટું નુકસાન થવાનો ભય ઊભો થયો છે. એક વેપારીએ કહ્યું હતું કે પોંગલના ૧૦૦૦ કરોડના વેપાર પર સંકટ વર્તાઈ રહ્યું છે.
પોંગલ પર્વને દક્ષિણ ભારતમાં સૌથી મોટી પરંપરાગત ખરીદીની સિઝન ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ સિઝન નવેમ્બર ૧૫થી શરૂ થાય છે અને ડિસેમ્બર મહિનો તેનો પીક ટાઇમ ગણાય છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં સુરતની સાડીઓ, સૂટિંગ-શર્ટિંગ, ડ્રેસ મટીરિયલ અને ફેન્સી ફેબ્રિકની ભારે માગ રહે છે. ઉદ્યોગજગત દ્વારા આ વર્ષે ૮૦૦ કરોડથી ૧૦૦૦ કરોડના વેપારની અપેક્ષા રાખવામાં આવી હતી. ગત વર્ષે આ બિઝનેસ લગભગ ૯૦૦ કરોડ સુધી પહોંચ્યો હતો.
જાેકે ‘દિતવાહ‘ વાવાઝોડાને કારણે સિઝનની શરૂઆતમાં જ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જાે આગામી એક સપ્તાહમાં દક્ષિણ ભારતમાં સ્થિતિ થાળે નહીં પડે તો એકંદરે વેપાર ૨૦%થી ૩૦% સુધી પ્રભાવિત થવાની પ્રબળ સંભાવના છે, જે ૨૦૦ કરોડ કે એનાથી વધુનું નુકસાન સૂચવે છે. ‘દિતવાહ‘ના તોફાનને કારણે સુરતથી દક્ષિણ ભારત સુધીની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે તૂટી ગઈ છે. વેપારીઓ જણાવે છે કે હાલની પરિસ્થિતિમાં ન તો પરિવહન વ્યવસ્થા સરળતાથી ચાલુ છે કે ન તો ત્યાંનાં સ્થાનિક બજારો ખૂલી રહ્યાં છે. ટેક્સટાઇલ એસોસિયેશનોનું કહેવું છે કે પોંગલ એક ફિક્સ્ડ ડેટવાળો તહેવાર છે.
જાે બજારો સમયસર નહીં ખૂલે તો ખરીદીની માગ ઓછી થઈ જશે અને વેપારીઓનો મોટો સ્ટોક તૈયાર માલના રૂપમાં પડી રહેશે. સુરતના કુલ ટેક્સટાઇલ બિઝનેસનો આશરે ૩૦-૩૫% હિસ્સો દક્ષિણ ભારતનાં બજારો પર ર્નિભર રહે છે. છેલ્લાં પાંચ વર્ષમાં કોરોના (૨૦૨૦-૨૧) મહામારી હોય કે વાવાઝોડાં અને પૂર (૨૦૨૨-૨૩), પોંગલનો વેપાર સતત નબળો રહ્યો છે. આ વખતે પણ એ જ આશંકાઓ જાેવા મળી રહી છે. જાે આગામી દિવસોમાં હવામાન અને પરિવહન વ્યવસ્થા સામાન્ય નહીં થાય તો ૮૦૦-૧૦૦૦ કરોડનો અંદાજિત કારોબાર ઊંડાણપૂર્વક પ્રભાવિત થશે અને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગી શકે છે.

