બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના આર્મી જવાન જીગર ચૌધરીની હત્યાના કેસમાં ન્યાયની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડગામ માર્કેટયાર્ડ ખાતે શ્રદ્ધાંજલિ તથા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની અને દેશની સેવામાં તત્પર રહેલા આર્મી જવાન જીગર ચૌધરીના હત્યા કાંડને લઈને સમગ્ર વિસ્તાર આક્રોશમાં છે. આ જવાનને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે વડગામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ અને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્કેટ યાર્ડથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા જાહેર માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. ત્યાં મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી.
આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, યુવાઓ તથા મહિલાઓ જોડાયા હતા. સમગ્ર વડગામ ન્યાય માટે એક થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
યાત્રા દરમિયાન લોકોના હાથમાં બેનર, પ્લેકાર્ડ અને તિરંગા ઝંડા હતા, જેમાં આર્મી જવાન જીગર ચૌધરીને ન્યાય અપાવવા માટેની માંગ ઉઠાવવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરે જણાવ્યું કે દેશ માટે જીવ જોખમમાં મૂકી ફરજ બજાવનારા જવાનની હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય, તેવી માંગ કરી હતી
અહેવાલ વિક્રમ પરમાર વડગામ



