National

દિલ્હીમાં પ્રદુષિત હવાનો માર હજુ પણ યથાવત; અનેક વિસ્તારોમાં AQI ૩૦૦ થી ઉપર નોંધાયું

દિલ્હી પ્રદુષિત અને ઝેરી હવાથી પીડાઈ રહ્યું છે કારણ કે રાષ્ટ્રીય રાજધાનીના મોટાભાગના ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં રહે છે. અક્ષરધામ વિસ્તારના દ્રશ્યો આકાશમાં ધુમ્મસનું જાડું સ્તર દર્શાવે છે. સવારે અહીં AQI ૩૪૮ નોંધાયું હતું.

આનંદ વિહાર વિસ્તારમાં પણ, ધુમ્મસની ચાદર જાેવા મળી હતી, જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ AQI ૩૪૮ હતો.

જાેકે, ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ વિસ્તારમાં ઝેરી હવાથી થોડી રાહત જાેવા મળી હતી, જેમાં AQI ૨૬૭ ‘ખરાબ‘ શ્રેણીમાં નોંધાયું હતું.

CPCB ધોરણો મુજબ, ૦-૫૦ વચ્ચે AQI ‘સારું‘, ૫૧-૧૦૦ ‘સંતોષકારક‘, ૧૦૧-૨૦૦ ‘મધ્યમ‘, ૨૦૧-૩૦૦ ‘ખરાબ‘, ૩૦૧-૪૦૦ ‘ખૂબ જ ખરાબ‘ અને ૪૦૧-૫૦૦ ‘ગંભીર‘ માનવામાં આવે છે.

દિલ્હી પ્રદૂષણને કારણે સંસદમાં પણ ભારે હોબાળો મચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઝેરી હવાના મુદ્દે સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ દર્શાવવા માટે ગુરુવારે ઘણા ધારાસભ્યો માસ્ક અને ઓક્સિજન સિલિન્ડર સાથે સંસદમાં પહોંચ્યા હતા.

દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેના અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણના મુદ્દા પર લોક નિવાસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ધૂળને નિયંત્રિત કરવા અને જાહેર સ્થળોએથી કાટમાળ દૂર કરવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક અલગ સમીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે, જે દૈનિક ધોરણે પ્રદૂષણ-નિયંત્રણ પગલાંની સમીક્ષા કરશે અને ત્યારબાદ આદેશો અથવા સલાહ જારી કરશે.

દિલ્હીના સીએમઓએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.