*અમરેલી વહીવટી તંત્ર અને માહિતી ખાતાએ સરકારી કોરન્ટાઈન ફેસિલિટીના વાચક વર્ગને જ્ઞાન પીરસ્યું*
*માહિતી ખાતાના વિવિધ પ્રકાશનોનું વિતરણ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવરાશની પળોનો સદુપયોગ*
આલેખન: સુમિત ગોહિલ, રાધિકા વ્યાસ
હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. કોરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા સરકારે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં માત્ર અમુક જિલ્લાઓમાં હજુ સુધી કોરોનાએ પગપેસારો કર્યો નથી. એમાંથી એક જિલ્લો છે અમરેલી.
અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ તેમજ છતાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સમગ્ર જિલ્લાને કોરોનાથી રક્ષિત કરવા ૨૪ કલાક ખડેપગે કાર્યરત છે. કોરોનાનો ખતરો ટાળવા અત્યંત જરૂરી કારણ સિવાય અન્ય જિલ્લાના લોકોને અમરેલી જિલ્લામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આવા સમયે સરકારી પરવાનગી વિના અમરેલી જિલ્લામાં પ્રવેશતા લોકોને સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાં ૧૪ દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવે છે. જે હાલ વિદ્યાસભા સંકુલ ખાતે કાર્યરત છે. આ રીતે આજદિન સુધીમાં જિલ્લામાં પ્રવેશેલા ૩૨૬ વ્યક્તિઓ પૈકી ૨૨૨ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૧૦૦ થી વધુ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાં આ લોકોને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. રહેવા, જમવાથી લઈ સમયાંતરે આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવે છે. આ લોકો પૈકીના કેટલાક અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાચકવર્ગ પણ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ અમરેલી માહિતી ખાતાને એક સરસ વિચાર આવ્યો. આ આશ્રયઘરમાં રહેતા વિદ્યાર્થીઓને અભ્યાસ પણ થઈ શકે અને તેમનો સમય પણ સારી રીતે પસાર થાય તેવા શુભ આશયથી અમરેલી માહિતી ખાતા દ્વારા આ લોકોને સરકારી યોજનાકીય પુસ્તિકાઓ, ગુજરાત પાક્ષીક તેમજ માહિતી ખાતાના પ્રકાશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જી.પી.એસ.સી. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં અત્યંત ઉપયોગી એવાં પ્રકાશનો થકી આ વિદ્યાર્થીઓ પોતાનો નવરાશનો સમય સારી રીતે પસાર કરી શકશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હિમાંશુ તળાવીયાએ જણાવ્યું હતું કે, આજનો યુગમાં સરકારી નોકરી મેળવવી ખૂબ જ કઠિન છે. તેની પરીક્ષા પાસ કરવા સતત વાંચન અને અધ્યયન જરૂરી છે. ત્યારે લોકડાઉનમાં આશ્રયઘરમાં અમને માહિતી ખાતા દ્વારા સરકારી યોજનાને લગતી માહિતીપ્રદ પુસ્તિકાઓ આપવામાં આવતા અમારા માટે એ ખૂબ જ લાભદાયી નીવડશે.
નાયબ કલેકટરશ્રી વિક્રમસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે, આ આશ્રયઘરમાં સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશ કરતાં લોકોને ૧૪ દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવે છે. અહીં તે લોકો માટે રહેવા, જમવા તેમજ આરોગ્યની ચકાસણી જેવી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેથી અહીં રહેતા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. સાથે જ માહિતી ખાતા દ્વારા અહીં રહેતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી પુસ્તિકાઓ આપવામાં આવી છે. જેથી નવરાશના સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરી શકે.
લોકડાઉનના સમયમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ માહિતી ખાતા દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસની પણ દરકાર કરવામાં આવી રહી છે.
*************
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756