ન્યુદિલ્હી,
ગૌતમ ગંભીરને ગત રાત્રિના રોજ ૯ઃ૩૦ કલાકે તેમના સત્તાવાર ઈમેઈલ પર આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. તેમાં ધમકી આપવામાં આવી છે કે, અમે તને (ગૌતમ ગંભીરને) અને તારા પરિવારને જાનથી મારી નાખીશું. આ ઈમેઈલ મળ્યા બાદ ગંભીરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી. હાલ દિલ્હી પોલીસના સાઈબર સેલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. સંપૂર્ણ તપાસ બાદ જ એ સ્પષ્ટ થઈ શકશે કે શું તે ખરેખર કોઈ ધમકીભર્યો મેઈલ છે કે, કોઈના દ્વારા કરવામાં આવેલી ટીખળ છે. પૂર્વ ક્રિકેટર અને પૂર્વીય દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ગંભીરે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને આઈએસઆઈએસ કાશ્મીરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગેની જાણકારી આપતા ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, આ કેસની તપાસ ચાલુ છે. સાંસદ ગૌતમ ગંભીરની સુરક્ષા વધારે સઘન કરી દેવામાં આવી છે.
