ન્યુદિલ્હી
દેશભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. હવે આ લિસ્ટમાં આસામ પણ સામેલ થઈ ગયું છે. રવિવાર રાતથી અહીં નાઇટ કર્ફ્યુ લાગુ થશે. આસામ સરકારે રાત્રે ૧૧.૩૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. જાે કે, ૩૧ ડિસેમ્બરે કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે, જેથી લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે.મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ લોકડાઉન લગાવવાની વાત કરી છે. ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૫૦૦ મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનની જરૂરિયાતની સ્થિતિમાં સરકાર લોકડાઉન લાદી શકે છે. આગામી બે સપ્તાહ રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં અહીં ઓમિક્રોનના ૧૧૦ કેસ મળી આવ્યા છે.મધ્યપ્રદેશમાં ૮ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. તમામ દર્દીઓ ઈન્દોરના છે. તેમાંથી ૬ સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ ચુક્યા છે, જ્યારે ૨ હોસ્પિટલમાં દાખલ છે. રવિવારે રાજ્યનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઈન્દોરમાં ૨૬ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમનાં સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતાં. તેમનાં રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ટી થઈ છે. તેમને શરદી-ઉધરસ જેવા કોઈ લક્ષણો ન હતા. હિમાચલમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. મંડી જીલ્લાની સંક્રમિત મહિલા કેનેડાથી પરત ફરી હતી. આ તરફ ઓડિશામાં પણ ૪ લોકોમાં ઓમિક્રોનની પુષ્ટી થઈ છે. સંક્રમિતોમાં ૨ નાઈજીરિયા, જ્યારે ૨ લોકો સાઉદી અરબથી પરત આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનનાં કુલ ૪૭૪ કેસ નોંધાયા છે.કોરોનાના ઝડપથી વધી રહેલા કેસો સાથે, દિલ્હી પ્રતિબંધોના પ્રથમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં સંક્રમણનો દર બમણો વધીને ૦.૪૩ ટકા થઈ ગયો છે.જાે આગામી બે દિવસ સુધી સ્થિતિ એવી જ રહે છે અને સંક્રમણનો દર ૦.૫ ટકા સુધી પહોંચે છે, તો દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ (રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી) લાગુ થશે, બજારથી લઈને મોલ સુધી ઓડ-ઈવન આધારે ૮ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. આ સાથે મેટ્રો પણ તેની ૫૦ ટકા ક્ષમતાથી ચાલશે.
