જામનગરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળ ગોલ્ડન સીટી પાસે સીટી સી પોલીસે એક મકાનમાં દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થીને પકડી પાડીને રોકડ-મોબાઇલ સહિત રૂ.૪૬,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પોલીસ પૂછપરછમાં વધુ છ શખ્સના નામ ખુલતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરવામાં આવીછે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં સીટી સી પોલીસની ટીમને પેટ્રોલિંગ વેળાએ પોલીસ હેડ કવાટર્સ પાછળ ગોલ્ડન સીટી વિસ્તારના હિત પેલેસ એપાર્ટમેન્ટમાં એક બ્લોકમાં મોબાઇલમાં ડાઉનલોડ કરેલી ક્રિકેટ લાઇનગુરૂ એપ્લીકેશનમાં ભાવ જોઇ ક્રિકેટ મેચ પર હારજીત, સેશન પર જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલના કબજા ભોગવટાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
જે દરોડા વેળા પોલીસે મોબાઇલ પર હારજીતનો જુગાર ચાલતો હોવાનું માલુમ પડયુ હતું. આથી પોલીસે મકાનના કબજા ધારક ટ્રાન્સપોર્ટ ધંધાર્થી ધમેન્દ્રસિંહ ગોહિલને પકડી પાડી રૂ.૧૧,૩૦૦ રોકડ, બે મોબાઇલ સહિત રૂ.૪૬,૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખ્સોની પ્રાથમિક પોલીસ પુછપરછમાં વધુ છ શખસો મીલન, નં.૯, અમીત, દીપુ ઉર્ફે સરગમ, પ્રેમભાઇ અને નીમેશ તન્નાના નામ ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી તમામ છની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે અને ફરારી શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
