ગાંધીનગર
ગાંધીનગરના માણસા તાલુકાના રાજપુરા ગામે મહાદેવપૂરા વાસમાં રહેતાં ૬૦ વર્ષીય વૃદ્ધ સાંકાભાઈ શંકરદાસ પટેલ પત્ની સાથે નિવૃત જીવન ગુજારી રહ્યા છે. જેમના બે મકાનો પૈકી એક મકાનમાં ઘનશ્યામસિંહ પરમાર છ વર્ષથી ભાડેથી રહે છે. જેમના મકાનની ખુલ્લી જગ્યામાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમે પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. જ્યારે આગની નજીક જ તેમની કાર પણ પડી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સામે રહેતાં પાડોશીએ આગની જાણ કરતાં વૃદ્ધ સાંકાભાઈ અને તેમના પત્ની ઘરની બહાર દોડી આવ્યા હતા. બધાએ ભેગા મળીને અડધો કલાક સુધી પાણી છાંટીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જાે આગ પર કાબુ ન મેળવવામાં આવ્યો હોત તો તેમની કાર અને મકાનમાં જાનમાલને નુકશાન થવાનું હતું. આ ઘટનાથી હચમચી ગયેલા વૃદ્ધ સાંકાભાઈએ માણસા પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરી હતી કે, છેવાડાના મકાનમાં એકલા રહેતાં હોવાથી ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ઘટી શકે છે. જેથી મારા મકાન અને કારને આગ લગાડવાના કૃત્યને બહાર લાવવા માટે એફએસએલ તેમજ ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવે. જેનાં માટે થનાર ખર્ચો પણ પોતે ભોગવશે પણ જાનમાલને નુકશાની પહોંચાડવાની પેરવી કરનાર ઈસમને તાત્કાલિક પકડી લેવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે.ગાંધીનગરના માણસા તાલુકા રાજપુરા ગામે રહેતા વૃદ્ધ દંપતીની એકલતાનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો ઈસમ જાનમાલને નુકશાન પહોંચાડવાના ઇરાદાથી ઘરની ખુલ્લી જગ્યામાં પેટ્રોલ છાંટીને આગ લગાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે વૃદ્ધએ માણસા પોલીસ મથકમાં ન્યાય માટે અરજ કરી એફએસએલ અને ડોગ સ્કવોર્ડ થકી તપાસ કરવા માંગ કરી છે.