સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપમાં ફસાવવાની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે, આવી ઘટનાઓમાં મહિલાઓનું ભૂંડી ભૂમિકા સામે આવી છે. ત્યારે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને બ્યુટી પાર્લર સંચાલિકા દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના બનવા પામી છે.
પુણા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતા પ્રવિણ રામાણી રહે છે, તે પરવત પાટીયા શંખેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે આવેલી નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે. 20-25 દિવસ અગાઉ તેની દુકાન ખાતે એક અજાણી મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી. જોકે દુકાનમાં તે દિવસે સ્ટોક ન હતો. બાદમાં મહિલાએ પ્રવિણને સ્માઈલ આપી પોતાનું નામ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત જણાવ્યું હતું. તેને પોતાનો મોબાઈલ નંબર આપી પ્રવિણનો મોબાઈલ નંબર લઈ ક્રીમ આવી જાય તો જાણ કરવા કહ્યું હતું.
બે ત્રણ દિવસ બાદ ક્રીમ આવતા પ્રવિણે ફોન કરી સુમનને જાણ કરી હતી, જેથી તે દુકાન પર આવી હતી, સુમને ક્રીમ લઈ પ્રવિણ સાથે મીઠી વાતો શરૂ કરી હતી. સુમને કહ્યું હતું કે તમારે મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો.
સુમને ફોન કરી ફરી વાર પ્રવિણને શરીર સુખ માણવાની વાત યાદ અપાવી હતી. સુમને પોતાના પુણા ભૈયાનગર સારથી હાઈટ્સ સ્થિત હંસમોર બ્યુટીસેન્ટરમાં આવવા કહ્યું હતું, જોકે પ્રવિણે કરી ફોન નહીં કરવા કહ્યું હતું. જોકે, સુમને ફરી ફોન કરતા પ્રવિણ બપોરે 2:30 વાગ્યે ત્યાં ગયો હતો, તે સમયે ત્યાં સુમન ઉપરાંત 20થી 22 વર્ષની બીજી ત્રણ મહિલા હાજર હતી. તમામ લોકો પાર્લરમાં અંદર ગયા તે સાથે જ પાર્લરનું શટર નીચું કરી કાચનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.
સુમને ત્રણ મહિલામાંથી એકને સેક્સ માટે પસંદ કરવા કહીં તેના રૂ.1000 થશે એવું જાણવ્યું હતું, જો કે પ્રવિણે આવું કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી સુમને પહેલા હાથ વડે અને પછી ડંડો લઈ પ્રવિણને માર માર્યો હતો. ભલે કશું પણ કર્યું ન હોય તો પણ રૂપિયા તો આપવા જ પડશે તેવી ધમકી આપી સુમને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
પ્રવિણે તમામ મહિલાઓને બે હાથ જોડી આજીજી કરી ત્યાંથી જવા દેવા કહેતા દુકાનના એક ખૂણામાં બેસાડી પ્રવિણના પર્સમાંથી રૂ.2000 કાઢી લીધા હતા. સુમને ફરી ધમકી આપતા કહ્યું હતું કે રૂપિયા તો તારે આપવા જ પડશે આટલા રૂપિયામાં શું થશે જો રૂપિયા નહીં આપે તો તારા ઉપર પોલીસ કેસ કરી તને ફસાવી દઈશું રૂપિયા નહીં આપે તો જીવથી હાથ ગુમાવવો પડશે.
પ્રવિણે સુમન સહિતની મહિલાઓની માફી માંગી હતી છતાં તેઓ માન્યા નહોતા, સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. પુણા પોલીસ ત્યાં થોડી વારમાં આવી હતી. બાકીની ત્રણ મહિલા ચાલી ગઈ હતી જેથી પ્રવિણ અને સુમનને પુણા પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતાં. સુમન અને પ્રવિણની પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં પ્રવિણ હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું જણાતાં પોલીસે પ્રવિણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા અને તેની સાથેની હાજર મહીલાઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સુમનની અટકાયત કરવામાં આવી છે, જ્યાં અન્ય મહિલાઓની શોધખોળ પોલીસ કરી રહી છે.


