સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર
ગાંધીનગર:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. બાપુને ઘર વાપસી કરાવવા માટે ભરતસિંહ સોલંકી મધ્યસ્થી કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા બાપુની રી એન્ટ્રી પર મહોર મારી શકે છે.
શંકરસિંહ વાઘેલાને ગુજરાતના રાજકારણમાં 4 દાયકાથી વધુનો અનુભવ છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સક્રિય સભ્ય હતા. તેમણે ગુજરાતમાં RSSના સ્વયં સેવક તરીકે અને ભાજપમાં સંગઠન વિસ્તારવાનું મોટુ કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.
શંકરસિંહ 1980થી 1991 સુધી ગુજરાત ભાજપના મહામંત્રી અને પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. જો કે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 121 બેઠકો હાંસલ કરીને સત્તા મેળવી અને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવતા તેઓ નારાજ થયા હતા. આ નારાજગીના કારણે શંકરસિંહ વાઘેલા 20 ઓગસ્ટ, 1996માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. જે બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) તરીકે નવી પાર્ટી બનાવી હતી, પરંતુ તેમના મોટાભાગના સાથીઓ પાછા ભાજપમાં ભળી જતા તેમણે કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસ સાથે પણ છેડો ફાડીને જનવિકલ્પ પાર્ટી બનાવીને 100 બેઠકો પરથી ચૂંટણીમાં જંપલાવ્યું હતું. જો કે તેમની પાર્ટીનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જે બાદ 2019ની લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા હતા.


