અમદાવાદ શહેરમાં દરરોજ ગુનાખોરીના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. શહેરના જમાલપુર શાકમાર્કેટ પાસે શાકભાજી લૂંટવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ ફકત 700 રુપિયાની શાકભાજી લૂંટી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શાહ આલમમાં રહેતા દર્શન ગાંધીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જમાલપુર શાક માર્કેટના ગેટ નંબર 04 પાસેની દુકાનમાં વહેલી સવારે આઇસર ગાડી આવી હતી. જેમાં ભીંડાના કાર્ટૂન હતા અને આઈસરમાંથી આ કાર્ટૂનને દુકાનમાં ઉતારવામાં આવી રહ્યા હતા. તે સમયે રમજાન નામના આરોપી ત્યા આવ્યો હતો અને ગાળો આપી બળજબરી પૂર્વક તેના કાર્ટૂન લઈ નાશી ગયો હતો. જેથી આરોપી રમજાન સામે 700 રુપિયાની લૂંટની ફરિયાદ દર્શન ભાઈએ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તારમાં ગુનાઓના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. થોડાક દિવસો પહેલા જ જમાલપુરમાં વીજ ચેંકિગ કરવા આવેલ ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.


