કોરોના મહામારી દરમ્યાન અત્યાર સુધીમાં જી.જી.ની કોવિલ હોસ્પિટલની પેથોલોજી લેબમાં દસ હજાર કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ દર્દીના લોહીની વિનામૂલ્ય તપાસ કરવામાં આવી છે. રોગની માત્રા , બિમારી ગંભીર છે કે નહી તેની ચકાસણી બાદ તબીબો નિર્ણય લઇ સારવાર કરે છે. જામનગરની જી.જી.ની તમામ લેબોરેટરી સર્વિસિઝના વડા ડો. વિજય પોપટે જણાવ્યું હતું કે, માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા બેકટેરિયા-વાયરસ શોધવાનું કામ થાય છે. ચેપ લાગ્યો છે કે કેમ તે નકકી કરવામાં આવે છે. આ તપાસના અહેવાલના આધારે તબીબો દર્દીને એન્ટી બેકટરિયલ કે એન્ટી વાયરલ દવા આપવી કે નહી તે નકકી કરીને સારવાર કરતાં હોય છે.
જયારે અમારા પેથોલોજી વિભાગની લેબોરેટરીમાં કોરોનાના દર્દીઓના લોહીના વિવિધ પરિક્ષણો જેવા કે, કિડની તથા લીવરના કામકાજની તપાસ, ઈન્વેક્શનમાં વધતા કે ઘટતા લોહીના કણોની તપાસ, શરીરમાં લોહી ગંઠાઈ જવાની તપાસ અને કોરોનાના વિવિધ માર્કસની તપાસ વિગેરે વિનામૂલ્ય કરવામાં આવે છે. પેથોલોજી વિભાગના આ પરિક્ષણના આધારે તબીબો દ્વારા યોગ્ય નિર્ણય લઇ સારવાર કરવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન દસ હજાર શંકાસ્પદ લક્ષણો ધરાવતા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓના બ્લડની તપાસ પેથોલોજી વિભાગમાં વિનામૂલ્ય કરવામાં આવી હતી. પેથોલોજી વિભાગમાં ૨૦ ડોકટર્સ પૈકી ડો.વિજય પોપટ, ડો.શમીમ શેખ, ડો.ધારા ત્રિવેદી, ડો.ભરત ભેટારિયા, ડો.અલ્પેશ ચાવડા, ડો.ભાર્ગવ રાવલ અને ૨૧ રેસિડેન્ટ ડોકટર્સ, ટેકનીશ્યન્સ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
