ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે પાટીદારોના એકજૂટ થવાથી પ્રદેશ ભાજપ પોતાની રણનીતિ બદલવા પર વિચાર કરી રહ્યું છે. 2015ની જિલ્લા-તાલુકા અને નગરપાલિકા ચૂંટણીમાં પાટીદારોની નારાજગીના કારણે ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ વર્ષે પણ ઉમિયા ધામથી પાટીદારોએ ઈશારા-ઈશારામાં ભાજપને સમજાવી દીધુ છે કે, પાટીદારો પ્રત્યે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે. આટલું જ નહીં, ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પાટીદારોને નજરઅંદાજ કરી રહ્યું છે.
પાટીદારોનું વલણ જોઈને ભાજપ પોતાની પાર્લામેન્ટરી બેઠકમાં નેતાઓ પાટીદાર ઉમેદવારોના નામ પર પસંદગી કરવા પર વિચાર કરી શકે છે. હકીકતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લેઉવા અને કડવા પટેલ સમાજ એક મંચ પર આવી ગયા છે. તાજેતરમાં ખોડલધામ કાગવાડના અધ્યક્ષ નરેશ પટેલ ઊંઝા ઉમિયા ધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના લોકો સાથે એકમંચ પર જોવા મળ્યા હતા. આ બેઠકમાં નરેશ પટેલે બળાપો ઠાલવતા જણાવ્યું કે, પાટીદાર સમાજને રાજનીતિમાં નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે.
વિશ્વમાં પાટીદારોની વસ્તી અઢી કરોડ કરતાં વધુ છે. ગુજરાતની GDPને જો કોઈ વધારી શકે છે, તો તે માત્ર પાટીદાર સમાજ, ઉદ્યોગ, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં આજે પાટીદારો આગળ છે, પરંતુ હજુ પણ કંઈક ખૂટે છે. જો આપણાં સમાજની રાજનીતિમાં પક્કડ મજબૂત નહીં હોય, તો આપણી કોઈ ગણતરી નહીં કરે. આપણે સરકારી નોકરીઓ અને રાજકારણમાં આપણું વર્ચસ્વ વધારવા માટે એકજૂટ થઈને કામ કરવું જોઈએ. ઊંઝા ઉમિયાધામના અધ્યક્ષ મંજીભાઈ પટેલે કહ્યું કે, પાટીદારોને જેટલું નુક્સાન થયું છે, તેટલું કોઈ અન્યએ નથી કર્યું.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ રહી છે. પાટીદાર નેતાઓનું વલણ જોઈને ભાજપ પોતાની રણનીતિ બદલવા પર વિચાર કરી શકે છે. પાર્ટીના સુત્રો મુજબ, 2021ની ચૂંટણીમાં રાજ્યમાં 2015 જેવું નુક્સાન ભલે ના થયું હોય, પરંતુ હજુ સુધી પાર્ટીએ જે પ્રકારે ઉમેદવારોની પેનલ બનાવી છે. તેમાં પાટીદારોનો મજબૂત અવાજ નહતો. હવે પાટીદારોના એકજૂટ થવાથી ભાજપે પુનર્વિચાર કરવો પડશે.


