જામનગરના બેડી વિસ્તારમાં રોડ પર ગેરકાયદેસર ૨૦૦૦ ફૂટ ખડકાયેલા બાંધકામ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગે હથોડો ઝીંકી દીધો હતો. જો કે, આ સમયે બબાલ થતાં પોલીસને બોલાવી પડી હતી. મહાપાલિકાએ દબાણવાળી જગ્યાને તાત્કાલિક ખાલી કરાવી ત્યાં તુરંત જ રોડનું કામ ચાલુ કરાવી દીધું હતું. જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખાની ટીમે સોમવારે સવારે ૧૧ વાગ્યાથી બેડી જંકશનવાળા રોડ ઉપર ખડકાયેલા ૨૦૦૦ ફૂટ ગેરકાયદે દબાણો જેમાં ચાની કેબીન, છાપરૂ તેમજ ઓરડી બનેલી હતી.
તેને તોડી પાડવાની શરૂઆત કરતા ગેરકાયદેસર દબાણ કરેલા લોકોએ ઉશ્કેરણી શરૂ કરતા મહાપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જે પછી તાત્કાલિક એસ્ટેટ અધિકારી સુનિલ ભાનુશાળી, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના ભાવેશ જાની વગેરેએ બાંધકામ દૂર કરી નાખ્યું હતું. મહાપાલિકાએ તાત્કાલિક ત્યાં રોડ બનાવવાનું શરૂ પણ કરી દીધુ હતું જે રાત સુધીમાં પૂર્ણ થઈ જશે. રોડ બનવાની આ કામગીરીમાં ગેરકાયદેસર દબાણ વિઘ્ન ઉભું કરતું હતું જે દૂર થતાં હવે ત્યાં સર્કલ બની જશે.
