કૃષિ કાયદા પરત લેવાની માંગને લઈને ખેડૂતો દિલ્હીની બોર્ડર પર ધરણાં કરી રહ્યાં છે. ધરણાં સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે સિંઘુ બોર્ડર પર ઠેક-ઠેકાણે ડીજે ગોઠવવામાં આવ્યા છે. જેમાં બોર્ડર ફિલ્મનું “સંદેશે આતે હૈ” જેવા ગીતો વાગી રહ્યાં છે. જ્યારે ખેડૂતોએ DJ બંધ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, DJના કારણે તેમને સમસ્યા થઈ રહી છે. આ માટે ખેડૂતોએ પ્રેસ રીલિઝ જાહેર કરીને માંગ કરી છે.
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂ, પ્રદેશ મહાસચિવ સરવન સિંહ પંઢેર, પ્રદેશ ઉપાધ્યક્ષ સવિન્દ્ર ચતાલાએ લેખિત નિવેદનમાં કેન્દ્ર સરકારને ખેડૂતો સાથે વાતચીત કરતા પહેલા તમામ ધરપકડ કરવામાં આવેલા ખેડૂતોને મુક્ત કરવા, બેરિકેડિંગગ સાથે પાણી, ઈન્ટરનેટ અને વૉશરૂપ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે. ખેડૂત નેતાઓ સાથે જ ડોમની નજીક પોલીસ તરફથી વગાડવામાં આવી રહેલા DJ બંધ કરાવવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આમ કરવાથી સ્થિતિ સામાન્ય થઈ શકશે.
સમિતિના જણાવ્યા મુજબ, પશ્ચિમ વિહાર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં 12, અલીપુરમાં 35, નજફગઢમાં 7, નાંગલોઈમાં 8, શાહદરામાં 3 અને ઉત્તમ નગરમાં 8 કેસ મળી કુલ 73 FIR દાખલ કરવામાં આવી છે.
ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો કે, 26 જાન્યુઆરીની ઘટના બાદ ઉપદ્રવીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ખેડૂત નેતાઓએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પથ્થરમારો કરનારા લોકો વિરુદ્ધ FIR દાખલ કરીને તેમની તાત્કાલીક ધરપકડ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે, ખેડૂતો અને પત્રકાર મનદીપ પુનિયાને છોડી મૂકવામાં આવે. ખેડૂત નેતાઓએ નવવીર સિંહની યાદમાં 4 ફેબ્રુઆરીએ શ્રદ્ધાંજલિ સભાનું પણ એલાન કર્યું છે.
ખેડૂત સંગઠનના નેતાઓનું કહેવું છે કે, સરકારે વાતચીત પહેલા માહોલ ઉભો કરવો જોઈએ. ખેડૂતોએ કાળા કાયદા પરત લેવા જોઈએ અને કિસાન સંઘર્સ સમિતિ પંજાબના મંચની આસપાસ કરવામાં આવેલી નાકાબંધી ખોલવી જોઈએ અને ઈન્ટરનેટની સેવા પુન: શરૂ કરવી જોઈએ.


