Gujarat

સુરતમાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસમાં વધારો

સુરત
સુરતમાં ઓમિક્રોનના નવા ૫ કેસ નોંધાતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. બુધવારે શહેર-જિલ્લામાં કોરોનાના ૮૦ કેસ નોંધાયા છે. બે દિવસ પહેલા માત્ર ૨૩ કેસ નોંધાયા હતા અને જેમાં સાડા ત્રણ ગણો વધારો નોંધાયો છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આજે ૨૯૦ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં ૭૨ અને જિલ્લામાં ૦૮ કેસ સાથે વધુ ૮૦ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૪૬૦ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. બુધવારે શહેર-જિલ્લામાંથી ૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૮૨ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૬૦ નોંધાઈ છે પાલિકા દ્વારા કોરોનાને કાબૂમાં રાખવા માટે અલગ અલગ પગલાં લેવાઈ રહ્યાં છે. વધુ કેસ આવે તે વિસ્તાર સોસાયટીને કવોરન્ટીન કરવામાં આવે છે. સાથે જ પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે. આજે પાલિકા દ્વારા મહાઅભિયાન અંતર્ગત ૨૯૦ સેન્ટર પર વેક્સિન અપાઈ રહી છે. જેમાં ૨૭૮ સેન્ટર પર કોવિશિલ્ડ અને ૧૨ સેન્ટર પર કોવેક્સિનની રસી અપાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *