અમેરિકા
સ્પેસએક્સ કંપનીએ ૯ ડિસેમ્બરના રોજ પોતાના ફાલ્કન-૯ રોકેટની મદદથી નાસાના એક્સ-રે ટેલિસ્કોપને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં તરતો મૂક્યો હતો. આ ટેલિસ્કોપ તૂટી પડેલા ન્યૂટ્રોન તારા, બ્લેક હોલ્સ અને અંતરિક્ષમાં મોટાપાયે કિરણોત્સર્ગ રચી ચૂકેલા અન્ય અસ્તિત્વોની નજીક થઇ રહેલી પ્રક્રિયાનો અભ્યાસ કરશે. ૨૧.૪ કરોડ ડોલરને ખર્ચે તૈયાર થયેલા આ ઇમેજિંગ એક્સ-રે પોલારિમેટરી એક્સપ્લોરર અર્થાત્ ‘આઇએક્સપીઇ’ ટેલિસ્કોપ રેડિયેશન પોલરાઇઝેશનનું નિરીક્ષણ કરવા ડિઝાઇન થયેલું છે. નાસાના સ્પેસ ફ્લાઇટ સેન્ટર ખાતે ફરજ બજાવી રહેલા આ મિશનના મુખ્ય સંશોધક ર્માટિન આવા કિરણોત્સર્ગ ધ્રુવીકરણની સમજ આપે છે. તેઓ કહે છે કે સ્ત્રોત તરફથી આવી રહેલા તમામ એક્સ-રેના ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ જાે સમાન દિશામાં હોય તો તેવી ઘટનાને ૧૦૦ ટકા ધ્રુવીકરણ કહી શકાય. પરંતુ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અલગ અલગ દિશા ધરાવતું હોય તો તેને ધ્રુવીકરણ કહી શકાય નહીં. આ ધ્રુવીકરણને ચોક્કસ માપદંડોથી આંકીને વિજ્ઞાાનીઓ બ્લેક હોલ કેટલી ઝડપે સ્પિનિંગ કરે છે તે નક્કી કરી શકે છે. દાખલા તરીકે કિરણોત્સર્ગ ઓકી રહેલા ન્યૂટ્રોન સ્ટાર, સુપરનોવાના અવશેષો સહિતના અંતરિક્ષ અસ્તિત્વો નજીકથી નીપજતા એક્સ-રેની પ્રક્રિયાનો પણ ટેલિસ્કોપ તાગ મેળવી શકે છે.
