નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે અનેક ભારતીયો યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયા હતા. તમામ ભારતીયોની વાપસી માટે સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતું. હવે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં ભારતના પ્રયાસોની વિગત આપી છે. તેમણે કહ્યું કે, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવા સરળ નહોતા. પીએમ મોદીના અથાક પ્રયાસો બાદ આ મુશ્કેલ કાર્યને સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ કે, ૨૦,૦૦૦ થી વધુ ભારતના નાગરિક, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા, જે યુક્રેનમાં ફસાયેલા હતા. આ તમામ લોકોને સુરક્ષિત ત્રણ સપ્તાહમાં ભારત પરત લાવવા આપણા બધા માટે ગર્વની વાત છે. પીયુષ ગોયલે કહ્યુ કે, આજે દેશમાં વિશ્વાસ છે કે કોઈપણ સંકટના સમયમાં ભારત સરકાર અને ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી અમને સંકટમાંથી બહાર કાઢશે. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીએ આશરે ૧૧ વખત દુનિયાના મોટા-મોટા નેતાઓ સાથે વાત કરી હતી. કૂટનીતિનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો, જેથી આપણા નાગરિકોને સુરક્ષિત પરત લાવી શકાય. પ્રધાનમંત્રી મોદીએ આ વિષયને ખુબ ગંભીરતાથી લીધો હતો. તેમણે યુક્રેન સંકટ પર અત્યાર સુધી ૮ ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરેક મીટિંગમાં ભારતીયોની વાપસી માટે પગલાં ભરવામાં આવતા હતા.
