Delhi

પાક. વડાપ્રધાન ઈમરાન ખાનના આરોપોને અમેરિકાએ નકાર્યો

નવીદિલ્હી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની સરકારને તોડવા માટે બહારના દેશમાંથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેણે આ ષડયંત્રમાં અમેરિકાની સંડોવણી હોવાની વાત કરી છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાની વડાપ્રધાનના આરોપો પર અમેરિકાનો જવાબ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમે પાકિસ્તાનના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. આ પહેલા પણ અમેરિકાએ ઈમરાનના આવા આરોપોને નકારી કાઢ્યા હતા. અમેરિકાએ ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં અમેરિકાની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર કોઈ પત્ર મોકલ્યો નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને કોઈ પણ અમેરિકન સરકારી એજન્સી અથવા અધિકારીએ ઈસ્લામાબાદને કોઈ પત્ર મોકલ્યો નથી. કથિત પત્રમાં યુએસની સંડોવણી અને પીટીઆઈ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી.” ઈમરાન ખાને શુક્રવારે પાકિસ્તાનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન ઈમરાને પહેલા અમેરિકાનું નામ લીધું, પછી કહ્યું કે કોઈ વિદેશી દેશે ધમકીભર્યો પત્ર મોકલ્યો છે, જે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઈમરાને કહ્યું કે વિપક્ષ પહેલાથી જ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વિદેશના સંપર્કમાં છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે આ પત્ર તેમની વિરુદ્ધ છે સરકાર વિરુદ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે જાે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થશે તો પાકિસ્તાનને માફ કરી દેવામાં આવશે, જાે તેમ કરવામાં નહીં આવે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ઈમરાને કહ્યું કે આ એક “સત્તાવાર પત્ર” છે જેના વિશે પાકિસ્તાનના રાજદૂતને જાણ કરવામાં આવી હતી. ઈમરાને ઈસ્લામાબાદમાં એક રેલીમાં કહ્યું હતું કે તેમની વિદેશ નીતિને કારણે તેમની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ “વિદેશી ષડયંત્ર”નું પરિણામ છે અને તેમને સત્તા પરથી હટાવવા માટે વિદેશમાંથી નાણાં આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની આગેવાની હેઠળની સરકારે બુધવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન વિરુદ્ધ વિદેશી કાવતરાના તેના આરોપો વિદેશમાં દેશના એક દૂતાવાસમાંથી મળેલા ગોપનીય પત્ર પર આધારિત છે.

PM-Pakistan-Imran-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *