નવીદિલ્હી
લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોના મોતના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી આશિષ મિશ્રાને મળેલા જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તિકોનિયા નિગાસન વિધાનસભા ક્ષેત્રમાં ગયા વર્ષે ૩ ઓક્ટોબરે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના વિરોધ દરમિયાન હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. જામીન માટે દલીલ કરતા મિશ્રાના વકીલે કોર્ટને કહ્યું હતું કે, તેમનો અસીલ નિર્દોષ છે અને તેમની સામે એવો કોઈ પુરાવો નથી કે તેણે ખેડૂતોને કચડવા માટે વાહનના ડ્રાઈવરને ઉશ્કેર્યો હતો. આ કેસમાં જીૈં્એ ચાર્જશીટ દાખલ કરી હતી. ૫૦૦૦ પાનાની આ ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આશિષ મિશ્રા સહિત કુલ ૧૬ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી પૂર્ણ કર્યા બાદ લખનૌ બેન્ચે મિશ્રાની અરજી પર ૧૮ જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આશિષ મિશ્રાને જામીન આપવા માટે અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એફઆઈઆરમાં આશિષ મિશ્રાને ગોળી મારનાર હોવાનું કહેવાય છે, પરંતુ કોઈને ગોળી વાગી નથી. જીપ ડ્રાઈવરને આંદોલનકારીઓને કચડી નાખવા માટે ઉશ્કેરણી કરનાર હોવાનું કહેવાય છે, પરંતુ દેખાવકારો દ્વારા ડ્રાઈવર અને અન્ય લોકોની હત્યા કરવામાં આવી હતી.લખીમપુર ખેરી કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની જામીન સામેની અરજી પર દેશની સર્વોચ્ચ અદાલત ૧૫ માર્ચે સુનાવણી કરશે. આ મામલામાં અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે છેલ્લી વખત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ૧૧ માર્ચે સુનાવણી કરશે, પરંતુ આજે આ મામલો લિસ્ટ કરવામાં આવ્યો નથી. તેથી, આ મામલે વહેલી સુનાવણીની માંગ કરવા માટે, ઉલ્લેખ કરવો જરૂરી છે.
