નવીદિલ્હી
બેન્ડિટ ક્વિન ફૂલનદેવીનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૬૩ના રોજ થયો હતો. તેણે માત્ર ૩૭ વર્ષની ઉંમરે જ જીવનમાં અત્યાચાર, બળાત્કાર, બળવો, પ્રેમ, આત્મસમર્પણ, જેલ અને પછી હત્યા જેવુ ઘણું જાેઈ લીધું હતું. આ બધું કોઈ સ્ત્રીના જીવનનો ભાગ હોય તો કોઈની પણ આત્મા વ્યથિત થઈ જાય. ત્યારે ભારતની બેન્ડીટ ક્વીન ફુલનદેવીની જીવનમાં આ બધા જ એંગલ સામેલ છે. તેનું નામ તો ફુલ પરથી રાખવામાં આવ્યું હતું પરંતુ તેને જીવનમાં એટલા કાંટા, બોંબ, દારૂગોળા અને બંદૂકની ગોળીઓ મળી હતી કે જેનો અંદાજાે લગાવો અશક્ય છે. ઉત્તરપ્રદેશના જલૌન જિલ્લાના પૂરવામાં જન્મેલી ફુલન બાળપણથી જ એકદમ ખૂંખાર હતી. જમીન વિભાગમાં તેણે પોતાના કાકા સાથે ઝઘડો કર્યો હતો. ઘરના લોકોએ દસ વર્ષની ઉંમરે લગ્ન કરાવ્યા હતા અને લગભગ ૪૦ વર્ષ મોટા પતિએ તેના પર બળાત્કાર ગુજાર્યા હતો. તેણે ઘણા અત્યાચાર સહન કર્યા હતા, પછી ડાકુની ગેંગમાં સામેલ થઈ ગઈ હતી. એક ઘટનાએ તેનું જીવન બદલી નાખ્યું હતું. ઠાકુરોની એક ગેંગ દ્વારા ત્રણ અઠવાડિયા સુધી તેનો ર્નિદયતાથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. બળવો કરીને ગેંગમાં ઊંચું સ્થાન મેળવીને તે ગામમાં પાછી આવી અને પૂછ્યું કે કોને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું? જ્યારે ગામની કોઈપણ વ્યક્તિએ નામ જણાવ્યું નહીં તો તેણે ૨૨ ઠાકુરોને લાઇનમાં ઊભા કરી તેમના પર ગોળીઓ વરસાવી દીધી હતી. અત્યંત કઠોર જિંદગી, કપરું જીવન અને હત્યાઓ, આ બધામાં પ્રેમ વિશે તો કોઈ કેવી રીતે વિચારી શકે? પરંતુ ફુલનદેવીએ બે ડાકુઓને પ્રેમ કર્યો હતો. આ બે ડાકુઓમાં સરદાર બાબુ ગુજ્જર અને વિક્રમ મલ્લાહનું નામ સામેલ છે. આ પ્રણય ત્રિકોણનો અંત પણ ખૂબ જ દુઃખદ હતો. જ્યારે વિક્રમ મલ્લાહને ખબર પડી કે બાબુ ગુજ્જર ફુલન પાછળ ફિદા છે, તો તેણે તેની ગોળી મારી હત્યા કરી દીધી. આ પછી તે વિક્રમ સાથે રહેવા લાગી હતી. ફુલનદેવીએ આત્મસમર્પણ કર્યું ત્યારે ઘણા નેતા અને ફિલ્મી દુનિયાના લોકો જેલમાં તેને મળવા જતા હતા. કોઈ તેના પર પુસ્તક લખવા માગતું હતું, તો કોઈ ફિલ્મ બનાવવા માંગતું હતું. પરંતુ ફુલન ખૂબ જ કઠોર હતી, જે કોઈપણ તેને મળતું તેની સાથે તોછડાઈથી વાત કરતી, ગાળા ગાળી કરતી. પરંતુ સમય જતા તેને સમજ પડી કે આ સભ્ય લોકો જેવું વર્તન નથી. પછીથી તેને મળવા આવતા લોકોને નમસ્કાર કરવા લાગી અને વિનમ્રતાથી વાત કરવા લાગી. ગ્વાલિયર જેલમાં સજા કાપતી વખતે ફુલન સાથે કુસુમા નાઈન, ડાકુ પૂજા અને માલખાન સિંહ જેવા લોકો પણ સજા કાપી રહ્યા હતા. પરંતુ સૌથી વધારે લોકો ફૂલન ને જ મળવા આવતા હતા. તેમાં ઘણા તો વિદેશી પણ હતા. જે બધા તેના માટે મોંઘા ગિફ્ટ લઈને આવતા. આ લિસ્ટમાં બ્રિટીશ લેખક રોય મૈક્સહેમ, “ઇન્ડિયાસ્ બેન્ડિટ ક્વીન” ની રાઇટર માલા સેન, રાજેશ ખન્ના અને તેમની પત્ની ડિમ્પલ કાપડિયાનું નામ પણ સામેલ છે. એકવાર કુસુમા નાઈને વિરોધ કર્યો હતો કે ફૂલનને જેલમાં વધારે સુવિધાઓ આપવામાં આવી રહી છે, અલબત, આવું જરાય ન હતું. તે ૧૦ બાય ૧૦ના ઓરડામાં જ રહેતી. ફૂલનની માતા તેને મળવા આવતી અને ઘણી વાર પૈસા પણ લઈ જતી હતી. ૧૯૯૬માં શેખર કપૂરે ફુલન દેવી ઉપર ‘બેન્ડિટ ક્વીન’ નામની ફિલ્મ બનાવી હતી. આ માટે તેમણે સીમા બિશ્વાસને લીધી હતી. તે ફૂલન જેવી જ દેખાતી હતી. બોલ્ડ સીન, ગાળાગાળી અને ન્યુડ સીનના કારણે આ ફિલ્મ ખૂબ જ વિવાદમાં રહી હતી. સેન્સર બોર્ડે કેટલાય સીન કટ કર્યા બાદ તેની રિલીઝ માટે મંજૂરી આપી હતી. સીમા બિશ્વાસ માટે પણ આ ફિલ્મમાં કામ કરવું ખૂબ મુશ્કેલ થયું હતું. આ ફિલ્મમાં કેટલાક વધારે પડતા ન્યૂડ સીન હતા જેના માટે બોડી ડબલનો સહારો લેવામાં આવ્યો હતો. કેટલાક ન્યૂડ શોટ તો એવા હતા કે, તે ભજવતી વખતે ડાઇરેક્ટર અને કૅમેરામૅન સિવાય કોઈને સેટ પર અવાની અનુમતિ હતી નહીં. કેટલાક સીન શૂટ કર્યા પછી સીમા બિશ્વાસ આખી આખી રાત રડતી હતી. સેટ પર પણ લોકો ફુલનદેવીની કથા સાંભળીને રડતા હતા. રિલીઝ પહેલા જ્યારે આ ફિલ્મની અનસેન્સર્ડ કોપી સીમાના ઘરે પહોંચી તો સીમાએ પોતાની ફિલ્મ માતાના ખોળામાં માથું છુપાવીને જાેઈ હતી. આ ફિલ્મ પૂરી થઈ તો સીમા બિશ્વાસના પિતાએ કહ્યું કે, આ રોલ તો ફક્ત સીમા જ કરી શકતી હતી. ત્યારે સીમાને થોડી રાહત થઈ. અહી ઉલ્લેખનિય છે કે, ૨૫ જુલાઈ ૨૦૦૧ના રોજ ફૂલનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા શેરસિંહ રાણાએ કરી હતી. રાણાનો દાવો હતો કે સવર્ણોને મારવાનો બદલો લેવા માટે તેણે ફુલનની હત્યા કરી હતી.
