Delhi

મંકીપોક્સ બાબતે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું

નવીદિલ્હી
મંકીપોક્સથી પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પાછા ફર્યા હોય તેવા કોઈપણ બીમાર પ્રવાસીને તાત્કાલિક અલગ કરી દેવામાં આવે અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેના બીએસએલ-૪ની સુવિધાવાળી લેબોરેટરીમાં નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે મોકલવામાં આવે તેવા આદેશ એરપોર્ટને આપવામાં આવ્યા છે. બ્રિટન, અમેરિકા, પોર્ટુગલ, સ્પેન, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટાલી અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ મંકીપોક્સથી સંક્રમિત જાેવા મળ્યા છે. મંકીપોક્સ એ વાયરલ ચેપ છે. આ ચેપ સૌપ્રથમ ૧૯૫૮માં બંધક કરાયેલા વાંદરામાં જાેવા મળ્યો હતો અને ૧૯૭૦ ના દાયકામાં માનવોમાં પ્રથમ વખત તેની પુષ્ટિ થઈ હતી. મંકીપોક્સના ચેપના કેસો મોટાભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં જાેવા મળે છે. ૨૦૧૭માં મંકીપોક્સનો સૌથી મોટો પ્રકોપ નાઇજિરીયામાં થયો હતો. તેના ૭૫% દર્દીઓ પુરુષો હતા. અત્યાર સુધીમાં આ રોગ કુલ ૧૧ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં)ની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને એક દુર્લભ રોગ ગણાવ્યો છે, જેનો ચેપ કેટલાક કિસ્સાઓમાં ગંભીર હોઈ શકે છે. મંકીપોક્સ ચેપ માટે જવાબદાર વાયરસના કોંગો સ્ટ્રેન અને પશ્ચિમ આફ્રિકન સ્ટ્રેન એમ બે પ્રકાર છે. આ બંને સ્ટ્રેન ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવે છે. કોંગો સ્ટ્રેનથી સંક્રમિત કેસોમાં મૃત્યુદર ૧૦% અને પશ્ચિમ આફ્રિકન સ્ટ્રેનથી સંક્રમિત કેસોમાં ૧% છે. બ્રિટનમાં જાેવા મળતા મંકીપોક્સના કેસોમાં પશ્ચિમ આફ્રિકાના સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. મંકીપોક્સ ચેપી રોગ છે. વાયરસ ચેપગ્રસ્ત દર્દીની ઇજામાંથી બહાર આવે છે અને આંખ,નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય મંકીપોક્સ વાંદરાઓ, ઉંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમના લોહી અને શરીરના પ્રવાહીને સ્પર્શવાથી પણ ફેલાય છે. નિષ્ણાતોના મતે, યોગ્ય રીતે રાંધેલું માંસ ન ખાવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીનું માંસ ખાવાથી તમે આ રોગનો શિકાર બની શકો છો. આ વાયરસથી સંક્રમિત થયાના ૫થી ૨૧મા દિવસ સુધીમાં લક્ષણો જાેવા મળી શકે છે. તાવ, માથાનો દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, પીઠનો દુઃખાવો, ધ્રુજારી, થાક અને સોજાે લસિકાની ગાંઠો સહિત પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા છે. પછી ચહેરા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે, જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. ચેપ દરમિયાન ફોલ્લીઓ ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે અને આખરે શીતળા જેવા સ્કેબ થઇ જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શીતળાની રસી મંકીપોક્સમાં પણ ૮૫% અસરકારક છે.વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાઈ રહ્યા હોવાથી ભારતનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ચૂક્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને પરિસ્થિતિ પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *