નવીદિલ્હી
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન બાલાસાહેબ થોરાટે ગૃહમાં મુંબઈ ઉપનગરોમાં રહેણાંક સોસાયટીઓને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી બિન-કૃષિ કરની નોટિસને આજે સ્થગિત કરી દીધી હતી. મંત્રી થોરાટે આ મામલે કમિટી બનાવવાનો આદેશ પણ આપ્યો છે. કમિટીને આ વિષય પર વધુ કવાયત કરીને નિયમોમાં કેવી રીતે ફેરફાર કરી શકાય તે અંગેનો અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે ગૃહમાં આ વિષય પર ધ્યાન દોરવા માટે દરખાસ્ત રજૂ કરી હતી. મુંબઈ ઉપનગરની લગભગ ૬૦ હજાર રહેણાંક સોસાયટીઓને સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતી કરની નોટિસ મોકલવામાં આવી હતી. જ્યારે બિલ્ડરે ઉપનગરમાં ચાલ કે બિલ્ડીંગ બાંધતી વખતે આ વેરો પહેલેથી જ ભરી દીધો હતો. ગૃહમાં બોલતા આશિષ શેલારે સરકારને એક જ સવાલ કર્યો હતો કે અધિકારીઓ આ ટેક્સની વારંવાર નોટિસો કેમ મોકલે છે? આ નોટિસ દ્વારા લગાવવામાં આવેલો ટેક્સ ૧૫૦૦ ટકાથી વધુનો દર છે જે અપરાધ છે. એક તરફ જ્યાં કોવિડે લોકોની કમર તોડી નાખી છે, ત્યાં આટલા ૧૫૦૦ ટકાથી વધુ દરે ટેક્સ વસૂલવો એ કયો ન્યાય છે? શેલારની આ દરખાસ્તને સમર્થન આપતાં તમામ પક્ષોના ધારાસભ્યોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આ ટેક્સ નોટિસ પાછી ખેંચી લેવામાં આવે અને આ પ્રકારનો ટેક્સ હંમેશ માટે બંધ કરવામાં આવે. શેલારે ગૃહમાં એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે જાે મુંબઈ શહેરમાં રહેણાંક સોસાયટીએ આવો કોઈ ટેક્સ ભરવો પડતો નથી તો મુંબઈ ઉપનગરના લોકો પર આ ટેક્સ શા માટે લાદવામાં આવ્યો? શું આ અન્યાય નથી? મહેસૂલ મંત્રીએ તેના જવાબમાં આ તમામ નોટિસો તાત્કાલિક પરત લેવાનો આદેશ આપ્યો છે. આ સાથે એક કમિટીની રચના કરીને નિયમોમાં ફેરફાર કરવા માટે રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહે મહાવિકાસ અઘાડીના આ ર્નિણયનું જાેરદાર સ્વાગત કર્યું છે. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે શિવસેના સાંસદ સંજય રાઉત પર નિશાન સાધ્યું છે. સંજય રાઉત હાલમાં મહારાષ્ટ્રમાં ફરતા લોકો અને ખેડૂતોને મળી રહ્યા છે. આ અંગે પડલકરે પડકાર ફેંક્યો છે કે તેઓ કોઈપણ સુરક્ષા વિના જઈને ખેડૂતોને મળે, પછી ખબર પડશે કે લોકોમાં મહા વિકાસ અઘાડી સરકાર સામે કેટલો ગુસ્સો છે.


