ખેરાલુ
ખેરાલુમાં રહેતા વિપુલકુમાર ઇશ્વરભાઇ પટેલનો પુત્ર બિમાર હોવાથી પૈસાની જરૂર પડતાં પોતાની જી.જે. ૦૧ આર.ડી.૨૧૮૯ નંબરની કાર ઇડર તાલુકાના માઢવામાં રહેતા ગાડીઓના દલાલ કનુભાઇ રત્નાભાઇ પરમારને વેચાણ આપી હતી. અર્ટીકાની કિંમત ૪.૩૦ લાખ નક્કી કરેલ અને મહેસાણાની એક ખાનગી ફાયનાન્સ કંપનીની ૪ લાખ લોન બાકી હોવાથી દલાલે હું લોનના હપ્તા ભરી દઇશ તેમ કહીં યુવાનને ૩૦ હજાર રોકડા આપી કાર લઇ ગયા હતા. ત્યાર બાદ લોનના ૩૫ બાકી હપ્તા સામે ફક્ત છ હપ્તાની રકમ ભરપાઇ કરી બાકીના હપ્તા ભર્યા વગર કાર સતલાસણાના અલ્પેશકુમાર રાજમલ દોષીને ફટકારી મારતાં અલ્પેશકુમારે પણ દલાલ જેવું જ કર્યું અને થોડોક સમય ગાડી ફેરવી એક પણ હપ્તો ભર્યા વગર હિંમતનગરના મહેતાપુરામાં રહેતા મેહુલકુમાર રબારીને વેચી મારી હતી. જાેકે આ મેહુલકુમાર રબારી પણ દલાલ જેવો નિકળ્યો તેણે પણ ફાયનાન્સ કંપનીનો એક પણ હપ્તો ભર્યા વગર માણસા તાલુકાના લાકરોડામાં રહેતા સંદિપસિંહ સિધ્ધરાજસિં રાઠોડને કાર ફટકારી મારતાં ફાયનાન્સ કંપનીએ યુવાનને લોનની રકમ ભરપાઇ કરવા દબાણ શરૂ કરતાં અંતે યુવાનને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ફરિયાદ કરતાં ખેરાલુ પોલીસે માઢવાના ગાડી દલાલ સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

