અમદાવાદ
તાજેતરમાં જ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હોદ્દા પર ચોંટી ગયેલા બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનો પાસેથી રાજીનામાં લઈ લેવાયાં હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ નિગમમાં નિમણૂંક કરવા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે જિલ્લા અને શહેર પ્રમુખો, બોર્ડ નિગમના ચેરમેન માટે ત્રણ નામો અને ડિરેક્ટર માટે ૧૦ નામોની યાદી મંગાવાઈ છે. સક્ષમ ઉમેદવારનું નામ, જ્ઞાતિ, પક્ષના કયા હોદ્દા પર કયા પ્રકારની કામગીરી કરી છે તેની વિગતો સુદ્ધાં મંગાવવામાં આવી છે. એટલે કે રાજકીય કુંડળીને આધારે બોર્ડ નિગમમાં નિમણૂંકો કરવામાં આવનાર છે. વિધાનસભામાં ટિકીટના દાવેદારોની સંખ્યામાં ઘટાડો કરવા ભાજપે નવી ફોર્મ્યુલા અપનાવી છે. બોર્ડ નિગમમાં સમાવીને ટિકીટના દાવેદારોને સાચવી લેવામાં આવશે. આ ઉપરાંત સિનિયર નેતાઓને પણ સમાવીને નારાજગી ઠારવાની રણનીતિ પણ નક્કી કરી લેવાઈ છે. પક્ષ કે સરકારમાં ના હોય તેવા નેતાઓને પ્રથમ તક આપવામાં આવી શકે છે. બોર્ડ નિગમમાં ચેરમેન ઉપરાંત ડિરેક્ટરને સારૂ પર્ફોમન્સ દેખાડવું પડશે. કારણ કે પક્ષ દ્વારા તેમને ટાર્ગેટ આપવામા આવશે. બોર્ડ નિગમમાં નિમણૂંક માટે કુલ ૧૦૦થી વધુ નેતાઓની યાદીને ટુંક સમયમાં આખરી ઓપ આપી દેવાશે.ગુજરાતમાં બોર્ડ નિગમોના ચેરમેન-ડિરેક્ટરની ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત ભાજપ દ્વારા બાયોડેટા મંગાવવામાં આવી રહ્યા છે. જેમાં ઓનલાઈન ફોર્મ મોકલી જે તે આગેવાનોને ભરવા માટે જણાવવામાં આવ્યું છે, જેના આધારે આગામી દિવસોમાં બોર્ડ નિગમો માંનવી નિમણુકો કરવામાં આવે તેવી શકયતા છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવા સમયે સરકારે બોર્ડ નિગમોના કેટલાક ચોક્કસ ચેરમેન અને ડિરેક્ટરને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નવી નિમણુક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયામાં સીધી જ નિમણૂક કરવાને બદલે કોર્પોરેટ કંપનીની સ્ટાઇલથી બાયોડેટા ઉપરાંત તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને બોર્ડ નિગમ ની નિમણુક માટેના સંભવિત આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલયથી ઓનલાઈન ફોર્મ મોકલવામાં આવ્યા છે જેમાં તેમની પ્રોફાઈલ સાથેની વિગતો લેવામાં આવી રહી છે. આ ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ નેતાઓ ચેરમેન અને ડીરેક્ટરની નિમણુક કરશે.
