ચાપરાજપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અન્વયે ૧૯ કન્યાઓ-૧૫ કુમારોનું નામાંકન
રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવના ત્રણ દિવસ દરમિયાન ૪૬ ગામોમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬૨૦ કુમાર અને ૫૧૮ કન્યા સહિત ૧૧૩૮ બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં નામાંકન કરાવવામાં આવ્યું હતું. તાલુકાના તમામ ગામોમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો,અને આ બધા ગામોમાં રાજ્ય સરકારના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી- પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારી શાળાઓમાં વાજતે ગાજતે બાળકોને અભ્યાસ અર્થે બેસાડવામાં આવ્યા હતા. આ સંદર્ભે જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે કુમાર શાળા અને કન્યા શાળામાં પણ પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી શ્રી બી. એમ. મકવાણા અને જેતપુર શહેરના મામલતદાર શ્રી કે.એમ અઘેરાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો
આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના અધિકારી શ્રી બી .એમ મકવાણાએ જણાવ્યું હતું કે બાળકોએ શિક્ષકોની વાતને માનીને અભ્યાસ કરવો જોઈએ અને બાળકોના માતા-પિતાએ પણ તેમના બાળકોના શિક્ષણ માટે સતત જાગૃત અને સમય ફાળવતા રહેવું ખૂબ જ આવશ્યક છે
આ પ્રસંગે જેતપુર મામલતદારશ્રી કે.એમ અઘેરાના હસ્તે શાળાઓઓમા પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષકોના આર્થિક સહયોગથી પ્રાપ્ત થયેલ શિક્ષણ કીટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી. કુમાર શાળા તેમજ કન્યા શાળાના ધોરણ ૧ થી ૮ માં પહેલા નંબરે પાસ થયેલા બાળકોનું ગામના સરપંચ શ્રી વિજયભાઈ આંબલીયા તેમજ આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ માટે આચાર્ય શ્રી અનિતાબેન ડઢાણીયા અને આચાર્યશ્રી મનિષાબેન તથા બંને શાળાના સ્ટાફ દ્વારા આગેવાનો તેમજ ઉપસ્થિત અધિકારીઓ- પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું


