પાલનપુર
પાલનપુર જનરલ હોસ્પિટલ ના માનસિક રોગ વિભાગ ખાતે કોરોના પછીના સમયથી માનસિક દર્દીઓના કેસોમાં વધારો નોંધાયો છે. અત્રેની હોસ્પિટલ ખાતે છેલ્લા એક વર્ષમાં કુલ ૧૩ હજાર ૧૯૩ સાયકિયાટ્રીક બિમારી ધરાવતા દર્દીઓને સફળ અને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ વિભાગ ખાતે માનસિક રોગો જેવા કે ડિપ્રેશન, વ્યગ્રતા, અકારણ ગુસ્સો, ઉન્માદ, ઊંઘની અનિયમિતતા સહિતની બિમારીઓની સફળ સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે અત્રેના માનસિક વિભાગમાં છેલ્લા એક વર્ષમાં ૯૪૧ બૌદ્ધિક અસભ્યર્થતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને માસિક પેન્શન અપાવવાની યોજના માટેના સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે. બનાસ મેડિકલ કોલેજ ખાતે માનસિક વિભાગમાં વ્યસનમુક્તિ કેન્દ્ર પણ કાર્યરત છે. જ્યાં વિવિધ પ્રકારના વ્યસનોને કાયમી તિલાંજલિ આપવા માટે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. વાત કરીએ છેલ્લા એક વર્ષની તો દારૂના વ્યસનની મુક્તિ માટે ૬૬૮ દર્દીઓ, અફીણ ડોડાના ૬૭ દર્દીઓ , તમાકુના વ્યસનમુક્તિ માટે ૧૭૦ દર્દીઓ તથા અન્ય વ્યસનોના ૨૩ દર્દીઓની સફળ અને નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી જે વ્યસન મુક્ત જીવન જીવવા માટે મદદરૂપ સાબિત થયું છે. બનાસ મેડિકલ ખાતે કાર્યરત સાયકાટ્રીક વિભાગ ખાતે ફરજ બજાવતા ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામા કોરોના પછીના સમયમા હોસ્પિટલ ખાતે આ બિમારી ધરાવતા દર્દીઓની ઓ.પી.ડીમાં વધારો નોધાયો છે. આ સાથે તેમણે કહ્યું હતું કે જે રીતે શરીર ઘાયલ થાય છે એ રીતે મન પણ ઘાયલ થતું હોય છે. એ વાતની ખબર મોટા ભાગના લોકોને હોતી નથી. આ પ્રકારની બિમારીઓ પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે જ કાઉન્સેલિંગ અથવા વર્તણૂંકમાં સુધારા વડે તેનું નિરાકરણ કરી શકાય છે. માનસિક સ્વાસ્થ્યમાંના ઉતાર-ચઢાવ પર ધ્યાન આપીને સમયસર મદદ લેવામાં આવે તો સાજા થવામાં બહુ ઓછો સમય લાગતો હોય છે. પરિવારની કોઈ વ્યક્તિને અવસાદ, ચિંતા, ઉદાસી, ક્રોધ કે ઘૃણા જેવી નકારાત્મક લાગણી વારંવાર થતી હોય, એ લાગણી સ્થાયી રહેતી હોય તો એ વિશે વિચાર કરવો જાેઈએ. માનસિક આરોગ્યની સુધારણા માટે કમ્યુનિકેટર્સ, કાઉન્સેલર્સ અને ડૉક્ટરોની સલાહ લેવી જાેઈએ.
