અમદાવાદ
મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં ખોદકામ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મોન્યુમેન્ટ મળી આવ્યા હતા. રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આપેલા નિવેદન પ્રમાણે અંદાજે ૪૫ હજાર જેટલી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ મળી આવી હતી, જે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જેથી આ પ્રકારની ચીજવસ્તુઓની જાળવણી થવી જરૂરી છે. જે માટે તેમને મળી આવેલ વસ્તુઓની જાળવણી માટે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે એક મ્યુઝિયમ તૈયાર કરવાનો ર્નિણય લીધો હતો. પરિણામે ખોદકામની આસપાસની જગ્યાને બફર ઝોન તરીકે જાહેર કરી હતી. જેને લઇને અસરગ્રસ્ત પરિવારના ૧૧ જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં જમીન સંપાદનની કામગીરી અને તેમને મળેલ વળતર સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં અરજદારના વકીલ અશોક પ્રજાપતિ દ્વારા રજૂઆત કરી હતી કે ‘આ મ્યુઝિયમ માટેની જગ્યા અન્ય સ્થળ પણ ખસેડી શકે છે ઉપરાંત તેમની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, જે માટે તેમને વર્ષ ૨૦૧૧ની જંત્રી પ્રમાણે વળતર મળ્યું છે, તે અપૂરતી માત્રામાં છે. આટલી રકમમાં તેઓ અન્ય ઘર ખરીદવા માટે પણ સક્ષમ નથી. જેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખાસ કિસ્સો ગણી, જે વળતર ચુકવવામાં આવ્યું છે, તે પ્રમાણે તેમને પર્યાપ્ત માત્રામાં વળતર ચૂકવવામાં આવે. મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર વતી આ મામલે એડવોકેટ જનરલ હાજર રહ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે,’ ખોદકામ દરમિયાન જે ચીજ વસ્તુઓ મળી છે જે બહુમુલ્ય છે અને તેની જાળવણી કરવા માટે તથા પ્રવાસન ક્ષેત્ર વિકાસ થાય તે હેતુથી આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે’.આ મામલે ચીફ જસ્ટીસે એવું પણ કહ્યું કે,’જે ચીજ વસ્તુઓ મળી આવી છે તે પણ મહત્વની છે, મ્યુઝિયમ બનવાથી રાષ્ટ્રીય સ્તરેથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી તેની ઓળખ ઊભી થઈ શકે છે’વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં મ્યુઝિયમ બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે થયેલ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. વડનગરના ૧૧ જેટલા અરજદારો મ્યુઝિયમ બનાવવા માટે આર્કિયોલોજિકલ વિભાગે કરેલ જમીન સંપાદનની કામગીરીને અયોગ્ય ગણાવીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ બંને પક્ષોને વિગતવાર સાંભળ્યા બાદ અરજદારની અરજી ફગાવી દીધી છે.


