અરવલ્લી
હાલ ચૂંટણીઓ નજીક છે, જેના પગલે પ્રજાજનોની વ્યાવહારિક માગણીઓ પણ વધતી જાય છે. ત્યારે માલપુરના સતારડા ગામે ૪૦ વર્ષથી કાર્યરત સાબરકાંઠા ડિસ્ટ્રીકટ બેન્ક એકાએક હટાવી લેવામાં આવતાં ગ્રામજનોમાં રોષ ભભૂક્યો હતો. સતારડા ગામે ૪૦ વર્ષથી કાર્યરત અને ખેડૂતો અને પશુપાલકોની કામધેનુ કહેવાતી સાબરકાંઠા બેન્ક કોઈ જાતની નોટિસ કે જાણ કર્યા વગર એકાએક બાજુના ૬ કિમી દૂર આવેલા અણિયોર ગામે ખસેડી દેવામાં આવતાં ગ્રામજનો-ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે. ભારે આક્રોશ સાથે ગામની દૂધ મંડળી આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વર્ષોથી કાર્યરત બેન્ક એકાએક હટાવી દેવાતાં ખેડૂઓ-પશુપાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગામલોકોએ એક તરફ બેન્ક માટે નવા મકાનની તૈયારીઓ આરંભી છે. ત્યાં બેન્ક બંધ કરી દેતાં તમામ ખેડૂતો-પશુપાલકોએ આક્રમકતા સાથે ચૂંટણી બહિષ્કારની સાથે સાથે કોઈપણ રાજકીય નેતાને ગામમાં પ્રવેશબંધીની પણ ચીમકી આપી છે.


