ટેક્ટર ૩, ચકરડી મશીન ૪, જનરેટર ૧, જેસીબી ૧, તેમજ 1644 મેટ્રિક ટન મુદ્દામાલ જપ્ત..
ઉનાની સીમ વિસ્તારમાં માલીકીની જમીનમાં ગે.કા.ખનીજ ખનન થતું હોવાની બાતમી આધારે જીલ્લા એલ સી બી ટીમે દરોડા પાડ્યા હતા. અને સ્થળ પર ખનીજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ચકરડી, વાહનમાં ગે.કા. બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજ સહીતનો મુદામાલ પકડી પાડી આ અંગેનો રીપોર્ટ ખાણખનિજ વિભાગને કરતા ખાણખનિજ વિભાગે લાખો રૂપીયાનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી દશ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.
ઉનાના બાયપાસ નજીક ચાંચકવડ રોડ પર આવેલ સીમ વિસ્તારમાં ગે.કા. બિલ્ડીંગ લાઇમસ્ટોનની ખનિજ ચોરી થતી હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લા એલ સી બી બ્રાન્ચના એલ બી બાંભણીયા, એનવી કછોટ, એસ એસ ડોડીયા, પી જે વાઢેર, આર બી ગઢીયા, તેમજ સંદિપ ઝણકાટ, રાજુભાઇ દેવશીભાઇએ પેટ્રોલીંગ દરમ્યાન સીમ વિસ્તારમાં દરોડા પાડતા સર્વે નં.૧૯૯ પૈકી ૨ માં માલીકીની જમીનમાં ગે.કા. બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજ ચોરી થતી હોય સ્થળ પરથી ટેક્ટર ૩, ચકરડી મશીન ૪, જનરેટર ૧, જેસીબી ૧ તેમજ ગે.કા. બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજ 1644 મેટ્રિક ટન સહીતનો કુલ રૂ.૪૫ લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવેલ છે. આ ગે.કા. ખનીજ ચોરીમાં ફારૂક મહમદભાઇ શેખ, મનુ જોધાભાઇ ડોડીયા, ભરત કારાભાઇ કામળીયા, ધર્મેશ રામભાઇ, રામ કાળુભાઇ વાળા, શાહિલ હનીફભાઇ ખુરેશી, મહેબુબ ભીખાભાઇ શેખ, ફારૂક મહમદ શેખ, પ્રકાશ જીવરાજભાઇ રાઠોડ, તેમજ ભીમજી કરશનભાઇ સરવૈયા આ તમામ દશ શખ્સો વિરૂધ જીલ્લા ઇન્ચાર્જ રોયલ્ટી ઇન્સ્પેક્ટર એન વી બારડે પોલીસમાં ફરીયાદી નોધાવી હતી. આમ ગીર સોમનાથ જીલ્લા એલ સી બી ટીમે ખનિજ ચોરો સામે લાંલ આંખ કરતા ખનિજ માફીયાઓમાં ફફડાટ મચી ગયેલ હતો.