ગાંધીનગર
કલોલ તાલુકાના આનંદપુરા હૂડકો ગામે રહેતાં મેનાબેન ઠાકોર ઘરની નજીકમાં આવેલા ઉકરડામાં છાણ નાખવાં માટે ગયા હતા. તે વખતે પાડોશી કોકિલાબેન લક્ષ્મણજી ઠાકોર તેમની સાથે માથાકૂટ કરીને ઉકરડા પર હક્ક કરવા લાગ્યા હતા. જેથી મેનાબેનનાં ભાઈ મહેશ માનસંગ ઠાકોર દોડીને તેઓની પાસે ગયા હતા. ત્યારે કોકિલાબેન તેમને પણ બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલા કે, આ વર્ષોથી અમારો ઉકરડો છે. છાણ નાખવું નહીં. એટલામાં કોકિલાબેનનું ઉપરાણું લઈને શંકરજી ઠાકોર લોખંડનો સળિયો અને સુરેશ લક્ષ્મણજી ઠાકોર લાકડી લઈને દોડી આવ્યો હતો. અને થોડીક વારમાં પિંકી શંકરજી ઠાકોર પણ આવી ગઈ હતી. બાદમાં છાણ બાબતે મહેશ ઠાકોર અને તેની બહેન મેનાબેનને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને શંકરે લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેનાં કારણે મહેશને કપાળમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સુરેશ પણ લાકડી લઈને માર મારવા લાગ્યો હતો. તેમજ પિંકી અને કોકિલાબેન ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી મહેશે બૂમાબૂમ કરતા તેનો ભાણિયો ધર્મેશ ઠાકોર દોડી આવ્યો હતો. જેને પણ ઉક્ત ઈસમોએ માર માર્યો હતો. બાદમાં અન્ય લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો. આ હુમલામાં મહેશ ઠાકોરને માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધી હવે ઉકરડાની માલિકી કોની તેની પણ તપાસ કરવાનો વખત આવ્યો છે.ગાંધીનગરના સાંતેજ પોલીસને છાણનાં ઉકરડાની માલિકી બાબતે પણ ગુનો નોંધી તપાસ કરવાનો વખત આવ્યો છે. કલોલના આનંદપૂરા હૂડકો ગામે ઉકરડામાં છાણ નાખવા બાબતે લોખંડના સળિયા અને લાકડી વડે હુમલો કરવામાં આવતાં બે મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.


