દાહોદ
દાહોદ શહેરમાં ગોદી રોડ વિસ્તારમા આવેલી પાવનધામ સોસાયટી પાસે એક સ્થાનિક દ્વારા પોતાના મકાનની આગળ ગટરની ઉપર ગેરકાયદેસર ઓટલો બનાવી તેની ઉપર ફેન્સીંગ વોલ બનાવી કાચના ટુકડા લગાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મકાનમા જ આગળ કેટલીક દુકાનો પણ આવેલી હતી અને આ મામલે કેટલાક સ્થાનિકો દ્વારા નગરપાલિકાને ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે ગતરોજ બપોરના સમયે પાલિકાતંત્ર જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગટરની ઉપર ગેરકાયદેસર બાંધેલો ઓટલો અને ફેન્સીંગ વોલ તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યા અનુસાર, સાંજના સમયે અને રાતના સમયે સ્થાનિકો આ રસ્તે ચાલતા અવર જવર પસાર થતા હતા અને આ ઓટલા પર બેસી પોતાનો થાક ઉતારતા હતા. પરંતુ મકાન માલિકને તે પસંદ ન હોવાથી કાચવાળી ફેન્સીંગ વોલ ઊભી કરી દેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.
