Gujarat

છોટાઉદેપુર ખાતે મતદાન જાગૃતિ અંગે શેરીનાટક યોજાયું 

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ઝંડામથક ખાતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અંગે શેરીનાટક યોજવામાં આવ્યું હતું.
આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ યોજાનારા બીજા તબકકાના મતદાન દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાઓનું પણ મતદાન યોજાનારા છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લોકશાહીના મહાપર્વ એવી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરે એમાટે પ્રોત્સાહિત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવા માટેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે આવેલા ઝંડાચોકમાં શેરીનાટક યોજવામાં આવ્યું હતું.
સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી. ક્રિષ્ના પાચાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૦૫મી, તારીખે યોજાનારી બીજા તબકકાની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગે છોટાઉદેપુર જિલ્લાના મતદાતાઓમાં જાગૃતિ આવે તેમજ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી તેમણે આગામી સમયમાં જિલ્લામાં આવેલા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હાટ, કોલેજો સહિતની જગ્યાઓએ શેરીનાટક દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે નવા નોંધાયેલા મતદારો કે જેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે એવા યુવા મતદારોને જાગૃત કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અવસર અતર્ગત રથયાત્રા યોજી ત્રણેય વિધાનસભા મતક્ષેત્રેમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય એવા અગિયાર અગિયાર મતદાન મથકોએ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. નાટક દરમિયાન ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવા તેમજ મતદાન કરાવવા માટે સંકલપબદ્ધ થયા હતા.
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગ લે એવી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *