જેતપુરમાં ગેસના સિલિન્ડરો ફાટ્યાની ઘટના સામે આવી છે. જેતપુરની વોરાવાડ આબલી શેરી પાસે આ બાટલા ફાટ્યા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ગેરકાયદેસર રિફિલિંગ કરતા બાટલા ફાટવાની ઘટના બની છે. બાટલા ફાટવાથી એટલો પ્રચંડ વિસ્ફોટ થયો કે બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. તેમજ મકાનના પતરા 100 ફૂટ દૂર ઉડ્યા હતા. વહેલી સવારે ગેરકાયદેસર બાટલા રિફિલિગનું કામ ચાલતું હતું ત્યારે બાટલા ફાટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
અફઝલભાઈએ ફિરોઝભાઈને મકાન ભાડે આપ્યું હતું. જેમાં ફિરોઝભાઈ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરતા હતા. પરંતુ આજે સવારે 7 વાગ્યે રિફિલિંગ કરતા હતા ત્યારે બાટલા ધડાકાભેર ફાટ્યા હતા. આથી બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ જેતપુર નગપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગેસના બાટલા ફાટતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું સુતો હતો ત્યારે ધડાકો થતા મને ધરતીકંપ જેવો અવાજનો અનુભવ થયો હતો. આથી અમે ઘરની બહાર દોડી ગયા હતા. બહાર આવીને જોયું તો ગેસના બાટલા ફાટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મકાનમાલિક અફઝલભાઈએ જણાવ્યું હતું કે, 7 વાગ્યાની આસપાસ જોરદાર બ્લાસ્ટ થતા હું ભરનિંદરમાંથી જાગી ગયો હતો. બહાર આવતા જોયું તો મારું બે માળનું મકાન ધરાશાયી થયાનું જોવા મળ્યું હતું. બાદમાં ગેસના બાટલા ફાટ્યાનું જાણવા મળ્યું હતું જેમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.
અફઝલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જૂના જેતપુરમાં જૂના મકાનો આવેલા છે. ગેસના બાટલા ફાટતા આજુબાજુના વર્ષો જૂના મકાનોમાં તિરાડો પડી ગઈ છે. મકાનના ત્રીજા માળની છત પર પતરા ઉડીને પડ્યા હતા. મારા દાદાએ ફિરોઝભાઈના દાદાને મકાન ભાડે આપ્યું હતું. પરંતુ ફિરોઝભાઈ 15થી 20 વર્ષથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરતા હતા. આ અંગે મે ફિરોઝભાઈને અવારનવાર ટોક્યા હતા પરંતુ તેઓ માનતા નહોતા. ગેસના બાટલા ફાટ્યા બાદ 30થી 35 સિલિન્ડર સગેવગે કરવામાં આવ્યા છે. હજી મકાનના કાટમાળ હેઠળ અસંખ્ય બાટલા દટાયા હોવાનો અંદાજ છે. આ બ્લાસ્ટથી આસપાસના મકાનની બહાર રહેલા વાહનોમાં પણ નુકસાની પહોંચી છે
હરેશ ભાલીયા જેતપુર.


