નડિયાદ
નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં મારુવાડા વિસ્તારમાં રહેતા અને નમકીન વેચવાનો વેપાર કરતાં ૩૩ વર્ષિય કેવલ ભરતભાઈ પટેલે ચકલાસી પોલીસમાં બે ફરિયાદો નોંધાવી છે. જેમાં એક ફરિયાદમાં જણાવાયું છે કે, તેઓ ગામના ભાથીજી મંદિર પાસે આવેલા પોતાના ગોડાઉનમાં ગત ૧૯મી ડિસેમ્બરે હાજર હતા. ત્યારે ગામના માંડવી ચોકમાં રહેતા વિક્રમ રમણભાઈ પરમાર અને યોગેશ રમણભાઈ પરમાર સહિત અન્ય લોકો આવ્યા હતા. તેમજ “તું ચૂંટણીમાં આઘો પાછો થાય છે ને બહુ વહીવટ કરે છે. તારે ભાગોળમાં રહી ધંધો કરવો છે કે નહી? તારા ટાંટીયા ભાગી નાખીશ” તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે કેવલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાના મિત્ર ઈસિતભાઈને સમર્થન કરતો હતો. તેમજ ઉપરોક્ત ધમકી આપનારા લોકો વિરોધ પક્ષના હોવાને કારણે આ બાબતની રીસ રાખી આ લોકોએ ધમકી આપતાં કેવલ પટેલે ઉપરોક્ત બંને વિક્રમ પરમાર અને યોગેશ પરમાર સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. બીજી ફરિયાદમાં કેવલ પટેલે પોતાના પડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, ગામના મારુવાડા વિસ્તારમાં રહેતા બળદેવ પરસોત્તમભાઈ પટેલે પોતાના ફોનથી સપોર્ટ શિવમ ઠક્કર નામના વોટ્સએપ ગ્રુપમાં કેવલ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી અને અપશબ્દો બોલતો ઓડિયો વાયરલ કર્યો હતો. જેથી આ બનાવ સંદર્ભે કેવલ પટેલે પાડોશમાં રહેતા બળદેવ પરસોત્તમભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ચકલાસી પોલીસે આ અંગે આઈપીસી ૫૦૪ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. નડિયાદના ઉત્તરસંડા ગામના વેપારીએ બે અલગ અલગ ફરિયાદોમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એકમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને સમર્થન કરતાં રીસ રાખી બે લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં વેપારીએ ફરિયાદ આપી હતી. તેમજ અન્યમાં વેપારી વિરૂદ્ધ અપશબ્દો બોલી સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ કરાતાં વેપારીએ આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. નડિયાદના ઉત્તરસંડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ રીસ રાખી ઝઘડા અને મારામારીથી વિવાદના વંટોળ સર્જાયા છે. અગાઉ પણ પરીણામના દિવસોમાં ઝઘડો થતાં પોલીસને રાતોરાત પહોંચવું પડ્યુ હતું અને મામલો થાળે પડ્યો હતો. આવા જ એક કિસ્સામાં આજે શુક્રવારે ગામના એક વેપારીએ બે જુદી જુદી ફરિયાદમાં ગામના કુલ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એક ફરિયાદમાં પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને સમર્થન કરતાં જે બાબતની રીસ રાખી બે લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ અન્યમાં વેપારી વિરુદ્ધ અપશબ્દો બોલી સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ કરવાને પગલે વેપારીએ આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ચકલાસી પોલીસે આ બંન્ને બનાવોના સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.