Gujarat

ભારતીયોના પૈસા પડાવી ચીન મોકલ્યાનો ઘટસ્ફોટ

અમદાવાદ
તાજેતરમાં જ આરઓસીએ દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિતનાં રાજ્યોમાં આ રીતે ચાલતી ચીનની કંપનીનું કૌભાંડ પકડી પાડ્યું હતું, જે અંગે આરઓસીના અધિકારી દ્વારા થોડા દિવસ પહેલાં જ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ૨ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જ્યારે સોમવારે આ ત્રીજી ફરિયાદ નોંધવામાં આવી છે. હજુ આગામી ૨૪ કલાકમાં આરઓસી દ્વારા વધુ ૨ પોલીસ ફરિયાદ નોંધાવાશે. આરઓસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં કંપનીઓ શરૂ કરીને હવાલા મારફત પૈસા ચીન મોકલવાનું કૌભાંડ ૩ વર્ષથી ચાલે છે. તાજેતરમાં કૌભાંડ પકડાતાં આ અંગે આરઓસીએ મુંબઈ અને દિલ્હીમાં કેટલીક કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ હવે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ટૂંક જ સમયમાં જે કંપનીઓના ડિરેકટર ભારતીય નાગરિકોમાંથી વિદેશી નાગરિકો બની ગયા છે એવી સંખ્યાબંધ કંપનીઓની યાદી આરઓસીએ તૈયાર કરી છે. એમાં પણ એવી કંપનીઓ કે જેમાં ડિરેકટર ચીનના લોકો બન્યા છે, તેવી કંપનીઓની માહિતી એકત્રિત કરીને એ કંપનીઓની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં આવી સંખ્યાબંધ કંપનીઓ સામે વધુ પોલીસ ફરિયાદો કરવામાં આવશે.આ તમામ કંપનીઓમાં જે પણ ભારતના નાગરિક પૈસાનું રોકાણ કરતા હતા એ હવાલા મારફત ચીન મોકલવામાં આવતા હતા. જાેકે ચીનની કંપનીના ડિરેક્ટર સોંગુ લિયુએ ટૂંક જ સમય માટે ભારતના નાગરિકોને તેમની કંપનીના ડિરેક્ટર તરીકે રાખ્યા હતા. ત્યાર બાદ તેમનાં રાજીનામાં લખાવી લીધાં હતાં અને પોતે કંપનીના ડિરેક્ટર બની ગયા હતા. આ રીતે આ ૨૩ જેટલી કંપનીઓ છેલ્લાં ૩ વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતમાં કાર્યરત હતી.ભારતના નાગરિકોને ડાયરેક્ટર બનાવીને ભારતમાં કંપનીઓ શરૂ કરાવીને હવાલા મારફત પૈસા ચીન ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં આરઓસી એ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં બિટકોઈન તેમજ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપીને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોમાં કંપનીઓ શરૂ કરી હતી. એમાં ભારતના ૨ નાગરિકને જુદી જુદી ૨૩ કંપનીના ડિરેક્ટર બનાવીને તેમને ટૂંકા ગાળામાં ડાયેરકટપદ પરથી હટાવીને ચીનની કંપનીનો માલિક તમામ કંપનીઓમાં ડિરેક્ટર બની ગયો હતો. નારણપુરા ખાતેની આરઓસીના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ગજાનંદ કાટે(૪૪)એ સુનીલકુમાર, સોંગુ લિયુ, સંજીવરાય કેવાય રાય, રજની કોહલી, ગૌરવ મિત્તલ અને મેરુવા ભાનુ પ્રકાશ વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર, ચીનની કંપનીના ડિરેક્ટર સોંગ લિયુએ સુનીલકુમારને ડિરેક્ટર બનાવીને વીપીઓ નેટવર્ક ટેકનોલોજી નામની કંપની બેંગલુરુમાં શરૂ કરી હતી. સુનીલકુમારને અન્ય ૧૩ કંપનીના ડિરેક્ટર બનાવ્યા હતા, જ્યારે સંજીવ રાયને આંધ્રપ્રદેશમાં એસબીડબ્લ્યુ સાઉથ એશિયન નામની કંપની શરૂ કરી એમાં ડિરેક્ટર બનાવ્યા હતા. આ સાથે સંજીવ રાયને અન્ય ૧૦ કંપનીઓના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. આ કંપનીઓ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમની કંપની બિટકોઈન તેમ જ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે. તેમની કંપનીમાં રોકાણ કરેલા પૈસા તેઓ માઈનિંગ મશીનોમાં ઇન્વેસ્ટ કરે છે અને તેમની કંપની અમેરિકન બીટકોઈન કંપની સાથે જાેડાયેલી છે, જેથી તેઓ રોકાણકારોને એવી લાલચ આપતા હતા કે તમે અમારી કંપનીમાં રોકાણ કરેલા પૈસા માઈનિંગ મશીનની ખરીદી કરવામાં વાપરવામાં આવે છે, એવું કહીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવામાં આવતું હતું. જ્યારે આ બંને કંપનીઓની સ્થાપના કંપની સેક્રેટરી(સીએસ) રજન કોહલી(દિલ્હી) દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *