અંબાજી
નાગરોના કૂળદેવી શ્રી અંબાજી માતાનો હવન વર્ષોથી પેટલાદી વડનગરા નાગરોના યજમાનપદે સંપન્ન થતો હોય છે. પૌરાણિક દંતકથા અનુસાર દરિયાઈ માર્ગે માં અંબાજી વહાણ દ્વારા પ્રવાસ ખેડી રહ્યા હતા, તે સમયે અસુરો (રાક્ષસ ગણ)ને ત્રાસ વધી જતાં દાંતા પાસેથી તેને અચાનક ગાયબ થઈ જવું પડ્યું. જેથી ચિંતીત દાંતાના રાજા રાતભર ઉંઘી શક્યા નહીં.
ત્યારબાદ શ્રી માતાજીએ દાંતાના રાજાને સ્વપ્ન આપ્યું કે નાગરોને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા હવન કરવાનું કાર્ય સોંપવામાં આવશે ત્યાં હું દૈવી સ્વરૂપે પ્રગટ થઈશ. આ સમયે રાજાના દરબારમાં અમૂલ્ય રત્નો ગણાતાં નાગરોને આ ભગીરથકાર્ય સોંપાતા શ્રી માતાજી શ્રાવણ વદ ચૌદશના દિવસે પ્રગટ થયા અને ત્યારથી કુળાચાર પ્રમાણેનો યજ્ઞ યોજાય છે. કાળક્રમે આ કાર્ય પેટલાદમાં મોટા સમૂહમાં વસતા વડનગરા નાગરોના હાથમાં આવ્યું. પરંતુ નોકરી-ધંધાર્થે પેટલાદમાં વસતા નાગરો મુંબઈ, વડોદરા, અમદાવાદ તેમજ વિદેશ જઈ વસ્યા. જેથી આ કાર્યક્રમબદ્ધ રીતે વડનગરા નાગરોના કુટુંબીજનો દ્વારા યોજાતું હતું.
આદ્યશક્તિ માં અંબાજીના ચૌદશના હવનનું ખુબ મહત્વ હોવાથી શ્રાવણ વદ-૧૪ના રોજ ચાચર ચોકમાં દર વર્ષે સવારે ૯.૩૦ કલાકે પેટલાદી વડનગરા નાગર બ્રાહ્મણો દ્વારા હવનનો પ્રારંભ કરાય છે. જેમાં પેટલાદ, નડીયાદ, અમદાવાદ ઉપરાંત વિવિધ સ્થળોએથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
આ વર્ષે પેટલાદ સ્થિત મહા ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિકના તંત્રી અને શ્રી પેટલાદી વડનગરા નાગર માઢ ટ્રસ્ટ, અંબાજીના ટ્રસ્ટી મિહિર ત્રિવેદી તેમના ધર્મપત્નિ અમિષાબેન ત્રિવેદી, ટ્રસ્ટી પૂર્વાંગ ત્રિવેદી અને તેમના ધર્મપત્નિ ભૂમિ ત્રિવેદી તેમજ ટ્રસ્ટી ભાર્ગવભાઈ દેસાઈ તથા તેમના ધર્મપત્નિ તા.૨૬ ઓગષ્ટ, ૨૦૨૨ને શુક્રવારના રોજ યોજાયેલ શ્રી માતાજીના ચૌદશના હવનમાં યજમાનપદે બિરાજ્યા હતા.
વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલ આ યજ્ઞનો પ્રારંભ સવારે ૯.૩૦ કલાકે કરાયા બાદ અંદાજે ૩.૧૫ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાઈ હતી. જેમાં ધીરેનભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી શરદચંદ્ર ત્રિવેદી, કેતનભાઈ ઉપરાંત પેટલાદ તેમજ નડિયાદના અસંખ્ય ભાવિકોએ ઉપસ્થિત રહી હવનના દર્શનનો તેમજ પૂર્ણાહૂતિ વખતે શ્રીફળ હોમવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

