Gujarat

સાવરકુંડલા શહેરમા મણીભાઈ ચોક ખાતે મહેશ ટોકીઝ સામે આવેલી ભાડામાં બેસતી પોસ્ટ ઓફિસની ઈમારતનું સમારકામ વહેલી તકે થાય તેવું સાવરકુંડલાના શહેરીજનો ઈચ્છે છે. નવી અદ્યતન ઈમારતની સુવિધા તો ભગવાન જાણે ક્યારે મળશે? પણ આ ભાડામાં બેસતી પોસ્ટ ઓફિસની ઈમારતનું સમારકામ તો થાય.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક મહેશ ટોકીઝ સામે આવેલી પોસ્ટ ઓફિસની ઈમારત હવે સમારકામ માંગે છે. જો કે આ પોસ્ટ ઓફિસ આમ તો ભાડાના મકાનમાં બેસે છે. જો કે આ ઈમારત સાવરકુંડલા નગરપાલિકાની હોય તેની મંજૂરી મળ્યે સમારકામ થઈ શકે એવું પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળે છે. જો કે આ ઈમારતની અંદર પ્રવેશતાં જ છત પર અને દિવાલ પર પોપડા પડેલ જોવા મળે છે. આમ પણ ઘણાં સમયથી સમારકામ ન થયું હોય ઈમારતની હાલત પણ બિસ્માર હાલતમાં હોય એવું લાગે છે. લોકો તો વ્યંગમાં એમ કહેતાં જોવા મળે છે કે કાશ! કોઈ મંત્રીશ્રી આ પોસ્ટ ઓફિસની રૂબરૂ મુલાકાત લે તો કદાચ સમારકામ થઈ શકે. જો કે આપણું મકાન કે ઓફિસ આપણે ભાડુઆતને ભાડે આપીએ પછી ત્યાં સમયોચિત આંટોવીટો પણ મારી અને ઈમારતની સ્થિતિ પણ તપાસીએ છીએ. અને જો કંઇ મરમ્મત કરવાનું જણાય તો ભાડુઆતને સૂચના પણ આપીએ છીએ. જો કે આ તો નગરપાલિકાની મિલકત હોય સંલગ્ન તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને ઘટતું કરવું જોઈએ એવું આમજનતા ઈચ્છે છે. હા, કુંડલા પરા હાથસણી રોડ પર એક સબ પોસ્ટ ઓફિસ હમણાં ચાલું થઈ છે. પરંતુ આ શહેરની મધ્યમાં આવેલ પોસ્ટ ઓફિસની મરમ્મત થાય એ સમયની માંગ છે. આ પોસ્ટ ઓફિસ પર પોસ્ટ ઓફિસ સંલગ્ન કામકાજ માટે શહેરના લોકોનો મોટો ધસારો જોવા મળે છે. તંત્ર જાગે તો સારી વાત છે બાકી તો રામરામ.. આ ચૂંટણીના માહોલ વચ્ચે આ પોસ્ટ ઓફિસનું કમ સે કમ સમારકામ થાય તો પણ સારું.. જો કે લોકો તો હવે અદ્યતન સુવિધા યુક્ત નવી ઈમારત પણ ઝંખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *