સુરત
આજથી બે વર્ષ પહેલાં કોરોના કારણે સુરતમાં લોકડાઉન લાગે તે પહેલાં જ પાલિકાના ગાર્ડનમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામા આવ્યો હતો. સુરત મ્યુનિ.ના ગાર્ડન લોકોના હેલ્થ અને મનોરંજન માટે ઘણાં જ ઉપયોગમાં આવતા હોય લોકોને આ પ્રતિબંધ આકરો લાગ્યો હતો. જાેકે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં પાલિકાએ ગાર્ડન શરૂ કર્યા પરંતુ ગાર્ડનમાં પ્રવેશ માટે આકરા નિયમો સાથે સમયમાં પણ ઘટાડો કર્યો હતો. કોરોનાના કેસમાં ઘટાડો થયાં બાદ પાલિકાના ગાર્ડનમાં પ્રવેશ માટે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. જ્યારે સાંજે ૪ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન લોકો વધુ ભેગા ન થાય તે માટે પણ તાકીદ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના કેસ ઝીરો થઈ રહ્યાં છે અથવા એક કે બે કેસ આવી રહ્યાં છે. આ જાેતાં સુરતમાં લગભગ કોરોનાએ વિદાય લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે તેના કારણે આજથી ફરીથી સુરતના ગાર્ડનનો સમય સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીનો અને બપોરે ત્રણ વાગ્યાથી રાત્રિના ૧૧ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. પાલિકાએ કોરોનાની બિન સત્તાવાર વિદાય સાથે ગાર્ડનના સમયમા વધારો કરતાં ગાર્ડન લોકોના મનોરંજન સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી બની રહેશે.સુરતમાં કોરોનાની એન્ટ્રી બાદ અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. તેમાંથી ગાર્ડનના સમયમાં મૂકવામાં આવેલો પ્રતિબંધ બે વર્ષ બાદ હાલમાં સંપૂર્ણ દૂર થઈ રહ્યો છે. કોરોનાકાળમાં પાલિકાના ગાર્ડન સંપૂર્ણ બંધ હતા ત્યારબાદ કેસ ઘટતાં ઓછા સમય સાથે ગાર્ડન શરૂ કરવામાં આવ્યા હતા. હવે સુરતમાં કોરોના લગભગ વિદાય લઈ રહ્યો છે તેના કારણે પાલિકાના ગાર્ડનમાં પહેલા જેવો પુરો સમય કરી દેવામાં આવતા લોકોને રાહત થઈ છે. હવે ગાર્ડનમાં સવારે ૬થી ૧૨ અને બપોરે ૩થી ૧૧ વાગ્યા સુધી લોકો મુલાકાત લઈ શકશે.


