Gujarat

૫ ડિસેમ્બર એટલે વિશ્વ જમીન દિવસ જમીન સ્વસ્થ તો આપણે સ્વસ્થના સંદેશા સાથે ઉજવાશે વિશ્વ જમીન દિવસ

વિશ્વ જમીન દિવસ સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ર૦૧૪થી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસની થીમ જમીનને લગતા અલગ અલગ પ્રશ્નો ઉપર હોય છે. આ વર્ષની વિશ્વ જમીન દિવસની થીમજમીન જયાં ખોરાક બને છે”.સંયુકત રાષ્ટ્રસંઘની સંસ્થા એફએઓ (FAO)દ્વારા આ થીમને અનુરૂપ અલગ અલગ અભિયાનો વર્ષ દરમિયાન ચલાવવામાં આવે છે.

જમીનએ જીવંત વસ્તુ છે જેમાં પૃથ્વીની ચોથાભાગની જૈવ વિવિધતા રહેલ છે. માત્ર ૧ ગ્રામ જમીનમાં હાલની પૃથ્વીની વસ્તી જેટલા સુક્ષમ જીવો હોય છે. ૧ સેન્ટીમીટર જમીન બનવા માટે ૧ હજાર વર્ષ જેટલો સમયગાળો લાગે છે. જે ગણતરીની જ મીનીટ, કલાક અથવાતો દિવસોમાં નષ્ટ થઈ જાય છે. આ માટે જ જમીનને પુન: અપ્રાપ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે દર સેકન્ડે ૧ એકર જેટલી ખેતી લાયક જમીન બંજર બને છે.

આ વર્ષની જમીન દિવસની થીમ વિશે જો વાત કરીએ તો જમીનમાં છેલ્લા ૩૦ વર્ષથી તેની ફળદ્રુપતા, પોષકતત્વોનું પ્રમાણ, સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ખુબજ ઘટયું છે. જેને લીધે પાકના ઉત્પાદનો અને પોષકતત્વોનું પ્રમાણ ઘટયું છે. આ ઓછા પોષકતત્વોવાળા ખોરાક આપણે લઈએ છીએ જેને લીધે માણસોમાં ખાસ બાળકો અને મહિલાઓમાં કુપોષણના પ્રશ્નો ખુબજ વધ્યા છે. જેમ કે, પુખ્ત વયના માણસને રોજનું ૧ર૦૦ મીલીગ્રામ કેલ્શીયમ અને ફોસસ્ફર, ૧૧૦૦ થી ૩૩૦૦ મીલીગ્રામ સોડીયા, ર૮૦ થી ૩પ૦ મીલીગ્રામ મેગ્નેશીયમ, ૧૦ થી ૧પ મીલીગ્રામ આર્યન તેમજ ૧ર થી ૧પ મીલીગ્રામ ઝીંકની જરૂરીયાત હોય છે. આ સિવાય ઘણા ખનીજ દ્રવ્યો અને વિટામીન્સના સંશ્લેષણમાં આપણા શરીરને ઘણા પોષકતત્વોની જરૂરીયાત રહે છે. જો આ પોષકતત્વો જમીનમાં જ પુરતા પ્રમાણમાં લભ્ય નહી હોય તો પાકને પુરતા નહી મળે આવા પાકનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આ પોષક તત્વો આપણને ખોરાક દ્વારા મળતા નથી. જેને લીધે આપણા શરીરમાં પોષકતત્વોની ખામી સર્જાય છે. જેથી આપણા શરીરમાં ગંભીર બીમારીઓ જેવીકે, એનીમીયા, સાંધાના દુખાવા, માઈગ્રેન થાય છે. અને આવી પોષકત્વોની ગેર હાજરીને હીડન હંગર”કહેવામાં આવે છે. ગુજરાતની જમીનમાં ફળદ્રુપતાની દ્રષ્ટીએ જોવા જઈએ તો ૭ર% નાઈટ્રોજન, ૩૬% ફોસ્ફરસ, ર૦% પોટેશીયમ, ૪૦% સલ્ફર, ૪૯% ઝીંક, ર૯% આર્યન તેમજ ૬ થી ૧૭% જુદા જુદા સુક્ષમતત્વોની ઉણપ જોવા મળે છે.

ઉપરાંત વધતી જતી વસ્તીને અનાજ પુરૂ પાડવા માટે જે આડેધડ જંતુનાશક, નિંદણનાશક અને રાસાયણીક ખાતરોનો ઉપયોગ વધ્યો છે જેને લીધે જમીનમાં ઝેરી પદાર્થો જેવા કે, ભારે ધાતુનું પ્રમાણ વર્ષોને વર્ષો વધતું જાય છે. જેને લીધે મનુષ્યમાં ઘણી ગંભીર બીમારીઓ જેવી કે, જુદા જુદા પ્રકારના કેન્સર અને વંધ્યત્વ જેવી ગંભીર બીમારીઓ વધી છે. ઉપરોકત પ્રશ્નોને પહોંચી વળવા માટે જમીનનું સંતુલીત પોષણ વ્યવસ્થાપન, ખાતરની કાર્યક્ષામતામાં વધારો, નવી ટેકનોલોજી જેવી કે નેનો ફર્ટીલાઈઝર તેમજ સમજણ પુર્વક જંતુનાશક, નિંદણનાશક અને રાસાયણીક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ.રાસાયણીક ખાતર સાથે સેન્દ્રીય પદાર્થ તથા જૈવિક ખાતરનો સમન્વય કરી ઉપયોગ કરવાથી જમીનનું સ્વાસ્થ્ય અને સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં વધારો થાય છે જેની સીધ્ધી અસરને લીધે પાક ઉત્પાદન લાંબાગાળા સુધી જળવાય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *