જામનગર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું છે. ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક પર ભાજપ દ્વારા આર. સી. ફળદુના સ્થાને દિવ્યેશ અકબરીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે દિવ્યેશ અકબરીએ જણાવ્યું કે, મારા જેવા એક નાનકડા કાર્યકરને કોઈ પાર્ટી ટિકિટ આપે તો એ ભાજપ જ કરી શકે છે. દિવ્યેશ અકબરીએ જણાવ્યું કે, અમારી પાર્ટીના સર્વસ્થ નેતૃત્વ નરેન્દ્ર મોદી, પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનાઓનો હું ખુબ ખુબ આભાર માનું છું. મારા જેવા એક નાનકડા કાર્યકરને કોઈ પાર્ટી ટિકિટ આપે તો એ ભાજપ જ કરી શકે છે. વધુમાં જણાવ્યું કે, આજરોજ પાર્ટીએ મને ધારાસભ્યની ટિકિટ આપીને વિશેષ જવાબદારી આપી છે. ત્યારે હું પણ પાર્ટીને ખાતરી આપું છું કે ક્યાંય હું ઉણો નહીં ઉતરું. લોકોના દરેક પ્રશ્નોનું સારી રીતે નિવાકરણ લાવીશ. વધુમાં જણાવ્યું કે, આર.સી. ફળદુ પાર્ટીનું ઘરેણું કહેવાય જે સંઘથી માંડીને અત્યાર સુધી પાર્ટીના વિવિધ હોદ્દા પર હતા. તેમ છતાં તેમનામાં અભિમાન ક્યારેય ન હતું. પાર્ટીનું એક આખું નેતૃત્વ ચલાવી આગળ ચાલ્યા છે, ત્યારે તેના વારસા તરીકે અમને જે ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ અમારે પણ તેના કદમ ઉપર ચાલવું છે. તેવી ખાતરી આપું છું. મને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ રહ્યા છે. દિવ્યેશ અકબરીએ ૧૯૯૫થી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ ૧૯૯૮માં યુવા મોરચા વોર્ડની બોડીમાં પ્રમુખ હતા. વર્ષ ૨૦૦૦ માં વોર્ડની મેઇન બોડીના પ્રમુખ,૨૦૦૩માં વોર્ડમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ વર્ષ ૨૦૦૬માં ફરી રીપીટ કરી વોર્ડ પ્રમુખ બન્યા હતા. વર્ષ ૨૦૧૦માં શહેર ભાજપમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ ૨૦૧૦થી ૨૦૨૧ સુધી મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે કાર્યરત હતા. તેમજ હાલ પણ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મહાનગરપાલિકામાં સ્ટેનિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક તરીકે પણ તેઓએ જવાબદારી નિભાવી છે.
