જામનગર
આજકાલ લોકોને સરકાર, પોલીસનો ડર રહ્યો જ નથી. લોકો ક્રાઈમ કરતા અટકાતા જ નથી ત્યારે જામનગરની ડિફેન્સ કોલોનીમાં બાળકોના ઝઘડામાં મોટેરા બાખડી પડતા શુક્રવારની નાનકડુ ધીંગાણું ખેલાઈ ગયું હતું. પુત્ર અને પુત્રીની સાથે ધસી આવેલી માતાએ ડિફેન્સ કોલોનીમાં પ્રતિ પક્ષના પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પિતાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે પુત્રનું મોત નિપજ્યું હતું. આ લખાય છે ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.જામનગરની ડિફેન્સ કોલોનીમાં રહેતા મુન્નો ગઢવી અને તેના પિતા મૌમિયા રાયદે પર એક મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે મળીને હુમલો કર્યો હતો. આ હુમલામાં મુન્ના ગઢવીને કિડનીના ભાગમાં વાગેલો ગુપ્તીનો ઘા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે તેના પિતાને માથામાં કુહાડાનો ઘા ઝીંકાતા લોહી નિંગળતી હાલતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે પણ મહિલાના માથામાં કુહાડાનો ઘા વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.બાળકોના ઝઘડામાંથી આ ધીંગાણું ખેલાઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પંચનામુ તેમજ નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી આરંભી દીધી છે. ઈજાગ્રસ્તોને અત્રેની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
