છોટાઉદેપુર જિલ્લાના મુખ્યમથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલની અધ્યક્ષતામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નારી વંદન ઉત્સવને અનુલક્ષીને યોજાયેલા મહિલા નેતૃત્વ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, વેદોમાં પણ મહિલાઓનું ઉચિત સન્માન જળવાઇ એ માટે વાતો કરવામાં આવી છે. આજે સમાજમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે. દેરક ક્ષેત્રમાં નારી નેતૃત્વ કરી રહી છે એમ જણાવી તેમણે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં પચાસ ટકા અનામતની જોગવાઇ કરી જેનાથી મહિલાઓને નેતૃત્વ કરવાની મોટી તક મળી છે એમ કહી તેમણે સંખેડા તાલુકાના આનંદપુર ગ્રામપંચાયતનો સંપૂર્ણ વહીવટી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે એમ જણાવી તેમણે મહિલાઓને શેહ શરમ છોડી આગળ વધવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં ૧૨૦૦ ટી.બીના પેશન્ટ છે જે પૈકી ૭૦૦ને પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે એમ જણાવી તેમણે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીની આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ પુરૂષ સમોવડી બને એ માટે આ નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ પદ પર એક મહિલા બિરાજમાન છે. જિલ્લામાં પણ વહીવટી વડાનું પદ શોભાવનાર મહિલા જ છે તેમજ જિલ્લા પંચાયતના વડા પણ મહિલા જ છે એમ જણાવી તેમણે કોઇ પણ સમાજની પ્રગતિનો કયાસ કાઢવો હોય તો તે સમાજની મહિલા કેટલી પ્રગતિશીલ છે એનું આકલન કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.
આઇ.સી.ડી.એસના પ્રાદેશિક નાયબ નિયામક નેહા કંથારિયાએ કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંગે વિગતે જાણકારી આપી આ સપ્તાહની ઉજવણીનો આશય સ્પષ્ટ કર્યો હતો.
૧૮૧-અભયમ હેલ્પલાઇનમાંથી ઉપસ્થિત પ્રતિનિધિએ ૧૮૧-અભયમ હેલ્પલાઇન અંગે વિગતે જાણકારી આપી આ હેલ્પલાઇનનો કોણ ઉપયોગ કરી શકે તેમજ કેવી રીતે ઉપયોગ કરી શકાય એ અંગે માહિતી આપી ૧૮૧-અભયમ એપ ડાઉનલોડ કરવા માટે અપીલ કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

