પાટણ
પાટણ નગરપાલિકાની સ્ટોર શાખાનું રૂ. ૨.૫૯ કરોડનું ડ્રાફટ બજેટ સ્ટોર કમિટીની બેઠકમાં મંજૂર કરાયું હતું. ચેરમેન દશરથજી ઠાકોરનાં અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સભ્યો અલકાબેન મોદી, પ્રવિણાબેન તથા શાંતિબેન ગિરીશભાઇ પટેલ, શાખાધિકારી હર્ષદભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતાં. ચાલુ નાણાંકીય વર્ષ-૨૦૨૨ માં વયમર્યાદાનાં કારણે નિવૃત્ત થનારા ૬ સફાઇ કર્મચારીઓ અને ૫ અધિકારી-કર્મચારીઓ મળી કુલ ૧૧ કર્મચારીઓનાં ગ્રેજ્યુઇટી તથા રજા પગારની અદાયગી કરવા માટે રૂ. ૧.૬૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી હતી. જે અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી. પાટણ નગરપાલિકામાં ૨૦૨૨માં કાયમી ૧૧ અધિકારી-કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ પાટણ પાલિકાનું મહેકમ અત્યંત ઘટી જવાની શક્યતા છે. વળી જે અધિકારી-કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે તે વિભાગો અને ટેબલો ખૂબ જ ચિવટ અને જવાબદારી વાળા હોવાથી તેમની નિવૃત્તિ પછી કોણ સંભાળશે? તેનો પ્રશ્ન મુંઝવી રહ્યો હોવાથી સરકારે પાટણ નગરપાલિકામાં નવા સ્ટાફની ભરતીની પ્રક્રિયા કરવી જાેઈએ. હાલમાં સરકારે કાયમી કર્મચારીઓની ભરતી પર પ્રતિબંધ મૂકેલો છે. અને અત્યારે કરાર આધારિત કે કોન્ટ્રાક્ટર બેજ પર હંગામી કર્મચારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે. જે આગામી દિવસમાં કાયમી કર્મચારીઓની ઘટ પડતાં ખોરવાઇ શકે છે.
