Gujarat

સૌરાષ્ટ્રમાંથી ૧૬૦થી વધુ લોકોના ખિસ્સા કાતરનાર આરોપીને પકડી પાડ્યો

વેરાવળ
વેરાવળ બસ સ્ટેશન ખાતે અઠવાડીયા પૂર્વે ગત તા. ૮ ના રોજ કાપડના વેપારી ઇરફાન મહોમદભાઇ ઐબાણી ખરીદીના કામકાજ અર્થે બહારગામ જવા માટે પેન્ટના ખીસ્સામાં રોકડા રૂ.૧.૧૮ લાખ લઈ બસમાં બેસવા જતા હતા. એ સમયે કોઈ અજાણ્યા શખ્સે ભીડનો લાભ લઇ તેમના ખીસ્સામાંથી રોકડ સેરવી લીધી હતી. આ ઘટના અંગે વેપારીએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગઠીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડી પાડવા શરૂ કરેલી તપાસ અંતર્ગત વેરાવળ બસ સ્ટેશનમાં લાગેલ સીસીટીવીના ફુટેજાેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૫૦ વર્ષની ઉંમરનો એક શખ્સ શંકાસ્પદ જણાયો હતો. જેથી તેની ઓળખાણ કરી પકડી પાડવા ડી-સ્ટાફના દેવદાન કુંભરવડીયા, નટુભા બસીયા, પ્રદિપ ખેર, ગીરીશ વાઢેર, મયુર વાજા, સુનીલ સોલંકી, અરજણ ભાદરકા સહીતના લોકોએ બાતમીના આધારે શકમંદ શખ્સ અમીન અબ્દુલ તરીયાને ઝડપી લીધો હતો. જેની તલાશી લેતાં તેની પાસેથી રોકડા રૂ. ૧.૧૮ લાખની રકમ મળી આવી હતી. જે અંગે પુછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. જેથી આગવી ઢબે કડક પુછપરછ કરતા આ રકમ ગત તા. ૮ના રોજ બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઇ એક શખ્સના ખીસ્સામાંથી સેરવી લીધી હોવાની તેણે કબુલાત આપી હતી. આરોપી અમીન અબ્દુલ તરીયાની પુછપરછ દરમિયાન છેલ્લા દસેક વર્ષથી પીક પોકેટીંગના ગુનાઓ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ છેલ્લા સાત વર્ષના સમય ગાળામાં સૌરાષ્ટ્રના વેરાવળ, રાજકોટ, દેવભુમી દ્વારકા સહીતના શહેરોના બસ સ્ટેશનોમાં લોકોની ભીડનો લાભ લઇ પેસેન્જરોના ખીસ્સામાંથી રકમ સેરવવાના ૧૬૦ જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત પણ કરી હતી. આરોપી અમીન અબ્દુલ તરીયા મૂળ રાજકોટ જિલ્લાના જસદણનો વતની છે અને ત્રીસેક વર્ષથી જામનગર ખાતે સરૂ સેક્શન રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં રહે છે. તેને જુગાર રમવાની ટેવ હોવાથી જુગારમાં પૈસા હારી જતા પીટ પોકેટીંગના ગુનાઓ આચરી સરળતાથી પૈસા કમાવાનું ચાલુ કર્યુ હતુ. વર્ષ ૨૦૦૫માં જામનગર પોલીસના હાથે હત્યાના ગુનામાં પકડાયા બાદ તે સાતેક માસ જેલમાં રહ્યો હતો. ત્યારબાદ દેવભુમી દ્વારકા, રાજકોટ પોલીસમાં પીક પોકેટીંગના ગુન્હામાં પકડાયા હોવાની તેણે કબુલાત આપી હતી. જુદા-જુદા શહેરોના બસ સ્ટેશનોને ટાર્ગેટ બનાવી પેસેન્જરોની ભીડ વચ્ચે જઇ ભીડનો લાભ લઇ ટાર્ગેટ કરવા પેસેન્જરને કોઇ અણીવાળી વસ્તુ ચુભાવી નજર ચુકવી દઇ પેસેન્જરોના ખીસ્સામાંથી રોકડ રકમ સેરવી લેઇ ગુનાઓ આચરતો હોવાનું તેણે જણાવ્યું હતું. (૧) વર્ષ ૨૦૧૪માં વેરાવળ બસ સ્ટેશનમાં પેસેન્જરના ખીસ્સામાંથી પૈસા સેરવી લઈ ત્યારે ચાર દિવસમાં જુદા-જુદા પેસેન્જરોની નજર ચુકવી આશરે રૂ. ૩૦ હજાર જેવી રકમ મેળવી હતી (૨) વર્ષ ૨૦૧૬માં પણ બસ સ્ટેશનમાં પેસેન્જરોના ખીસ્સામાંથી રૂ. ૨૦ હજાર જેવી રકમ મેળવી હતી. (૩) વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯માં દર મહીને બે ત્રણ વાર વેરાવળ બસ સ્ટેશનમાં આવી આશરે ૪૦ જેટલા જુદા-જુદા પેસેન્જરોના ખીસ્સા કાતરી આશરે રૂ. ૩ લાખ મેળવ્યા હતા. (૪) વર્ષ ૨૦૨૧ના એપ્રિલમાં વેરાવળ બસ સ્ટેશનમાં રૂ. ૧૨ હજાર મેળવ્યા હતા અને (૫) ગત તા. ૫ ફેબ્રુઆરીના રોજ વેરાવળ આવી ત્રણ દિવસ રોકાયો હતો. ત્યારે પહેલા દિવસે તા.૫ના રોજ તલાળા જતી બસમાંથી એક પેસેન્જરના ખીસ્સામાંથી રૂ. ૪ હજાર ત્યારબાદ તા. ૭ના રોજ રાજકોટ રૂટની બસમાં ચડતી વખતે એક પેસેન્જરના ખીસ્સામાંથી રૂ. ૬૨૦૦ તથા તા. ૮ના રોજ દાહોદ-વેરાવળ વાળી બસમાં ચડતી વખતે કાપડના વેપારી ઇરફાન મહોમ્મદભાઇ ઐબાણીના પેન્ટના ખીસ્સામાંથી રૂ. ૧.૧૮ લાખ મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *