મુંબઈ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ને ૨૦ દિવસ પૂરા થયા છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે હજારો નિર્દોષ લોકો માર્યા ગયા છે. સાથે જ અનેક જવાનોના પણ મોત થયા છે. આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની દરેક વ્યક્તિ રાહ જાેઈ રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જાે કે આ એક જૂનો વીડિયો છે જે હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પ્રેરણાદાયી વાતો કરતો જાેવા મળી રહ્યો છે અને કહે છે કે ‘યુદ્ધ એ શાંતિ અને ભલાઈ માટેનો વિકલ્પ નથી’. શાહરૂખ વીડિયોમાં કહે છે કે ‘યુદ્ધનો અંત ફક્ત મૃતકો જ જુએ છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કોઈને ખબર નથી. તે મૃત્યુ પામેલા લોકો માટે જ સમાપ્ત થાય છે. એટલા માટે યુદ્ધમાં કંઈ નથી હોતું, બસ બધું વ્યર્થ હોય છે.’ શાહરૂખ વીડિયોમાં આગળ કહે છે યુદ્ધમાં ઘણું દુઃખ હોય છે,હકીકત એ છે કે યુદ્ધ સારું નથી. યુદ્ધ એ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી. યુદ્ધ એ પ્રેમ, ચર્ચા અને વાતચીતનો વિકલ્પ નથી. યુદ્ધ એવી વસ્તુ નથી કે જેના માટે તમારે તૈયારી કરવી પડે. શાહરૂખ ખાનની આવી વાતો ચાહકોને પ્રેરણા આપતી રહે છે. આવી સ્થિતિમાં શાહરૂખનો આ વીડિયો આ મુશ્કેલ સમયમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો છતાં રશિયાએ યુક્રેનિયન શહેરોમાં નાગરિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યુ છે. યુક્રેનની સેના છેલ્લા ૨૦ દિવસથી રશિયન ગોળીબારનો સામનો કરી રહ્યા છે.
