દુબઈ
એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલો યોજાયો હતો. આ મેચ વિરાટ કોહલીની ૧૦૦મી આંતરાષ્ટ્રીય ટી૨૦ મેચ હતી. વિરાટ કોહલીએ આ મેચમાં ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. વિરાટ કોહલીએ ૩૪ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૫ રન કર્યા હતા. શરૂઆતમાં વિરાટને થોડી મુશ્કેલી પડી હતી અને તેને જીવતદાન પણ મળ્યું હતું. વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં નહીં હોવાથી ટીકાકારોનો શિકાર બનતો રહે છે. જાે કે એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો અને ભારતને ડ્રાઈવિંગ સિટ પર લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. કોહલીના આઈપીએલ ફ્રેન્ચાઈઝના સહયોગી અને દક્ષિણ આફ્રિકાના દિગજ્જ બેટ્સમેન એ બી ડીવિલિયર્સે પણ એક ખાસ સંદેશ આપતા વિરાટને તેની ૧૦૦મી ટી૨૦ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ ક્રિકેટમાં તમામ ફોરમેટમાં ૧૦૦ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.


